Reaction on Central Budget : બજેટમાં સુરતને પ્રત્યક્ષ કશું મળ્યું નથી પરંતુ કેટલાક લાભ મળી શકે, સુરત ચેમ્બર ઓફ કોમર્સ
Published : Feb 1, 2024, 4:41 PM IST
સુરત : આજે સંસદમાં લોકસભા ચૂંટણી પહેલાંનું અંતિમ બજેટ અંતરિમ બજેટ તરીકે રજૂ થયું છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને સતત છ્ઠીવાર રજૂ કરેલા બજેટમાં સુરતના ઉદ્યોગકારોનું શું માનવું છે તે અંગે અમે પ્રતિભાવ જાણવા કોશિશ કરી હતી. ત્યારે એકંદરે ઉદ્યોગકારોનું કહેવું હતું કે સુરત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં શામેલ છે. અહીંના કાપડ અને હીરા ઉદ્યોગો વિશ્વ વિખ્યાત છે. હઝીરા ઔદ્યોગિક વિસ્તરણમાં વિશાળ ઉદ્યોગો પણ આવ્યા છે. સુરત શહેરને કેન્દ્રીય બજેટથી ઘણી આશાઓ અને અપેક્ષાઓ હતી. પરંતુ જ્યારે નાણાંપ્રધાન નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યું ત્યારે સુરતને કશું મળ્યું નહીં. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત માટે નાણાં મંત્રાલયને અનેક માંગણીઓ મોકલવામાં આવી હતી. ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી કિરણભાઇ ઠુંમરએ જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ રીતે સુધી સુરતને આ બજેટમાં કશું મળ્યું નથી. પરંતુ જે રીતે મત્સ્ય ઉદ્યોગ અને મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી છે તેનાથી લાભ થશે. તો ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી મૌલિક દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત મુખ્યતઃ એમએસએમમી સેક્ટર માટે જાણીતું છે. લખપતિ દીદીની વાતો છે અને ખાસ કરીને ફાર્મિંગ સેક્ટર માટે પણ વાત કરવામાં આવી છે તો અમને લાગે છે કે કેટલાક અંશે સુરતને લાભ થઈ શકે છે.