રુપાલા વિરોધના ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવી ભુજમાં, બંધબારણે અગ્રણીઓ સાથે કરી બેઠક - Parshottam Rupala Controversy
Published : Apr 22, 2024, 9:40 PM IST
કચ્છઃ કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિવાદ વકરતો જ જાય છે. કચ્છ જેવા સરહદીય અને છેવાડાના જિલ્લાના રાજપુત સમાજે પણ વિરોધ નોંધાવ્યો છે. સ્થિતિ તો એવી થઈ છે કે રુપાલાની ટિકિટ રદ ન થતા રાજપુત સમાજ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી રહ્યા છે. ગઈકાલે મુન્દ્રા ખાતે ક્ષત્રિય સમાજના સમેલનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ કોંગ્રેસના ઉમેદવારને નિતેશ લાલણને રાખડી બાંધીને સમર્થન જાહેર કર્યુ હતું. આજે ગૃહપ્રધાન હર્ષ સંઘવી ભુજ આવી પહોંચ્યા હતા. તેમણે ભુજની ખાનગી હોટેલમાં ભાજપના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધબારણે બેઠક યોજી હતી. જે અંદાજિત 1 કલાકથી વધુ સમય ચાલી હતી. આ બેઠકમાં ભાજપના નેતા રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા. અબડાસા ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ બેઠકમાં જોડાયા હતા. પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પરસોત્તમ રૂપાલાનું નિવેદન અયોગ્ય છે. આ નિવેદન મુદે જ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે અને ક્ષત્રિયોને મનાવવા માટેની આ બેઠક હતી.જેમાં ડેમેજ કંટ્રોલ પર ભાર મુકાયો હતો. ભાજપના આગેવાનો દ્વારા ક્ષત્રિય સમાજના લોકો સાથે બેઠકો કરીને સમાધાન કરવા પ્રયત્નો કરવામાં આવશે.