બનાસકાંઠાના લાખણી પંથકમાં 10 ઇંચથી વધુ વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા - 10 inches of rain in Lakhni
Published : Jul 3, 2024, 4:10 PM IST
બનાસકાંઠા: બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં બનાસકાંઠાના લાખણીમાં ગતરોજ છ કલાકમાં 10 ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો હતો. અને સમગ્ર ખેતરોમાં પાણી ભરાયા હતા. જ્યારે વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. વાવેતર કર્યા બાદ ખેતરોમાં જળબંબાકાર સર્જાતા ખેડૂતોમાં નુકસાનની ભેટી સેવાઈ રહી છે. જ્યારે ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે લાખણીના તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે. જેમાં લાખણી તાલુકાના કેડા, કુડા, જસરા સહિત અનેક ગામોના ખેતરો બેટમાં ફેરવાયા છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વધારે પાણી ભરાયા છે, જ્યારે ખેતરોમાં છ ફૂટથી વધુ પાણી ભરાતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.