ભાવનગર: શહેરમાં ઉત્તરાયણ પર્વ પર મૌસમે પક્ષીઓનો સાથ આપ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષની ઉત્તરાયણમાં પક્ષીઓના મોતના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. તેમજ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયા એવા લોકોની સંખ્યા તો સામે આવી છે. પરંતુ કોઈ મૃત્યુનો બનાવ બન્યો નથી. ઉત્તરાયણ પર્વ પર સવારમાં જ મૌસમમાં બદલાવ આવ્યો હોવાથી પતંગ રસિયાઓની મજા બગડી ગઈ હતી. સવારમાં ખૂબ જ ઓછા પતંગ ઉડતા હોવાથી પક્ષીઓના મોતના બનાવોમાં પણ ઘટાડો થયો છે. ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ અને પર્યાવરણ પ્રેમી સંસ્થા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.
વન વિભાગ અને પર્યાવરણ પ્રેમી સજાગ: ભાવનગર શહેરના દરેક વિસ્તારોમાં વનવિભાગ સાથે મળીને કરુણા અભિયાન અંતર્ગત કલેક્શન સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં દોરીમાં ફસાયેલા કે ઇજાગ્રસ્ત પક્ષીઓનું કલેક્શન સેન્ટર પર જ કર્યા બાદ તેમને પશુ દવાખાના નવાપરા અને વિક્ટોરિયા પાર્ક સારવાર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર સેન્ટરમાં પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. વેટરનરી ડોક્ટરો અને તેની ટીમ સવારથી સાંજ ખડેપગે રહી હતી.
કેટલા પક્ષીઓના મોત અને કેટલા ઘાયલ?: ભાવનગરના વિવિધ વિસ્તારમાં ઘાતક દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓ અને મૃત્યુ પામેલા પક્ષીઓને લઈને RFO દિવ્યરાજસિંહ સરવૈયાએ ETV BHARATને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ગઈકાલે મોડી રાત સુધીમાં કુલ 69 જેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત હાલતમાં લાવવામાં આવ્યા હતા. જેમાં 10 પેન્ટર્ડ સ્ટોક એટલે ઢોક બગલાનો સમાવેશ થાય છે. 6 પક્ષીઓના મૃત્યુ થયા હતા. જેમાં 2 પેન્ટર્ડ સ્ટોક પક્ષી અને 4 કબૂતરના મૃત્યુ થયા હતા. સવારમાં પવનના કારણે પતંગ નહી ઉડતા હોવાથી મોતનો રેશિયો ગત વર્ષ કરતા અંદાજે 50 ટકા ઘટી ગયો છે. નહિતર ગત વર્ષે ઉત્તરાયણમાં 12 થી 15 પક્ષીઓના મોત હતા.
ઘાતક દોરીનો ભોગ બનેલા લોકો: ભાવનગર શહેરમાં માત્ર પક્ષીઓ નહી, પરંતુ લોકો પણ ભોગ બન્યા છે. ઈમર્જન્સી સેવા 108ના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પતંગની દોરીથી ઘાયલ લોકોના કુલ 10 કેસો સામે આવ્યા હતા. જેમાંથી અંદાજે 10 લોકોને ગળાના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે 3 લોકો ગંભીર ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી હતી. જો કે, ઈમર્જન્સી સેવા 108 દ્વારા વડી કચેરીએથી સચોટ માહિતી મળ્યા પછી વિગત આપવા જણાવ્યું હતું. પરંતુ હાલ 108 તરફથી આ પ્રાથમિક માહિતી જ મળી હતી.
આ પણ વાંચો: