ગાંધીનગર: ગઈકાલ 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભઆનું બજેટ સત્ર શરૂ થયું છે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો. 37 મિનિટના ભાષણ દરમિયાન રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં. ત્યારે આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં ગુજરાતની ભાજપ સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે.
દોઢ મહિનો ચાલનારા વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો, આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો, ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. ગરીબ અને મધ્યમવર્ગીય જનતાને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે.
મહત્વપૂર્ણ છે કે, આ વર્ષનું કુલ બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પહેલા દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે. આ બંને બિલો તેમના સંબંધિત ક્ષેત્રોમાં મોટા નિયમનકારી અને વહીવટી ફેરફારો લાવશે. બંને દરખાસ્તોના ડ્રાફ્ટ સંપાદનો ગૃહમાં સમીક્ષા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.