અમદાવાદ : રાજ્યભરમાં ઉત્તરાયણનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો, ત્યારે કેટલાક લોકો માટે આ તહેવાર કાળ સમાન સાબિત થયો હતો. કેટલાક પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયા તો કેટલાક ધાબા પરથી પડીને ઈજાગ્રસ્ત થયા. આવા કેસ સાથે અન્ય કોઈ રીતે ગંભીર ઇજા પહોંચી હોવાના કુલ 4,948 કેસ 108 સેવાને મળ્યા હતા.
કેટલા માટે કાળ બની ઉત્તરાયણ ? ઉત્તરાયણ પૂર્વે 108 ઈમરજન્સી સેવા દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. તેમણે પોતાના એનાલિસિસ પ્રમાણે જણાવ્યું હતું કે, આ વખતે 4,950 જેટલી ઇમરજન્સી સર્જાવાની શક્યતા જોવા મળી રહી છે, તે જ પ્રમાણે ઉતરાયણના પર્વ નિમિત્તે 14 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાંથી 4,948 જેટલા ઈમરજન્સી કોલ 108 સેવાને મળ્યા હતા.
અકસ્માતના કેસ ત્રણ ગણા વધ્યા : 108 સેવાના સ્ટેટ ઓપરેશન હેડ સતીશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વખતે સૌથી વધુ કોલ ડાઉનના (ધાબા પરથી પડી જવાના) કેસ આવ્યા છે, તે સિવાય એકસીડન્ટ અને પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થવાના પણ 163 જેટલા કેસ નોંધાયા છે. રોજના એવરેજ 400 થી 450 એકસીડન્ટ કેસ આવતા હોય છે, જ્યારે ઉતરાયણના દિવસે 1100 થી 1200 જેટલા એક્સિડન્ટના કેસો પણ નોંધાયા છે.
ધાબા પરથી પડવાના સૌથી વધુ કેસ : સતીશ પટેલે વધુમાં જણાવ્યુ કે, ટ્રોમા અને ફોલ ડાઉનના રોજના 300 થી 350 કેસ હોય છે, તેમાં પણ ત્રણ ગણો વધારો થયો છે. એટલે કે એક દિવસમાં 1,100 થી 1,200 ફોલ ડાઉન એક જ પ્રકારની ઇમરજન્સી કોલ આવ્યા છે.
જાહેર જનતા જોગ અપીલ : આજે પણ 15 જાન્યુઆરી છે એટલે કે વાસી ઉતરાયણનો દિવસ છે. આ દિવસને પણ આવી જ રીતે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, ત્યારે આજે પણ 4,500 જેટલી ઇમરજન્સી આવવાની સંભાવના 108 દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ લોકોને સાવચેત રહી ઉત્તરાયણની ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી હતી.