કચ્છ: 77માં આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાનો દ્વારા ભૂમિ નૌકા વિહાર અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો કચ્છની સરહદ અને ભૌગોલિક પરિસ્થતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ઈન્ડિયન આર્મી દ્વારા આજથી લેન્ડ યોટિંગની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 7 નૌકામાં વારાફરતી 20 જવાનો કેપ્ટન વીરેશ એસજીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં યોટિંગ એટલે કે પાણી સિવાય પણ ચાલી શકતી એક વજનમાં હલકી સઢવાળી નૌકા ચલાવવાનું સાહસ કર્યું હતું. આ પ્રકારનું સાહસ એશિયામાં માત્ર કચ્છમાં જ થાય છે.
જવાનો કચ્છના રણની ભૌગોલીક પરિસ્થતિથી વાકેફ થશે
617 (સ્વતંત્ર) એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર રવીન્દ્ર સિંહ ચીમાએ અભિયાનને ફ્લેગ ઓફ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત 20 જવાનોએ ભાગ લીધો છે. કચ્છના ધોરડો ખાતે શરુ કરવામાં આવેલ સાહસિક અભિયાન 5 દિવસની સફર બાદ ધોરડો ખાતે અભિયાનનું સમાપન કરવામાં આવશે. આર્મીના 20 જવાનો 6 દિવસ સુધી કચ્છના રણમાં સફર કરીને 400 કિલ્લો મીટરનું અંતર કાપી કચ્છના રણની ભૌગોલીક પરિસ્થતિથી વાકેફ થશે.ધોરડો ખાતે લેન્ડ યોટિંગ એક્સપીડીશન ભાગ લીધેલ તમામ જવાનોનું બ્રિગેડિયર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
77માં આર્મી દિવસ અંતર્ગત અભિયાન
આર્મીના જવાનોના સાહસ ભર્યા અભિયાન અંતર્ગત જવાનો કચ્છના રણમાં સમાવિષ્ટ વિવિધ સ્થળની મુલાકાત લેશે. સાથે જ લોકો આર્મીની કામગીરીથી વાકેફ થાય અને લોકો આર્મીમાં જોડાઈને દેશ સેવા કરે તેવા આશય સાથે 77માં આર્મી દિવસ અંતર્ગત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
15 થી 20 જાન્યુઆરી સુધી ચાલશે લેન્ડ યોટિંગ
આ લેન્ડ યોટિંગ 15 જાન્યુઆરીથી શરૂ થઈને 20 જાન્યુઆરી સુધી ચાલશે. આ દરમિયાન યોટ રણની બંજર જમીન પર ચાલશે. જેમાં ધોરડો, ઇન્ડિયા બ્રીજ, ધર્મશાળા, શક્તિબેટ, કરીમશાહી, પેરીવારી ધોઈ તેમજ ધોરડો સહિતની મુલાકાત લેવામાં આવશે. તેની સાથે સાથે પર્યવરણને લઈ જાગૃતિ પણ ફેલાવવામાં આવશે. આ સિવાય યુવા પેઢીને સેનામાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ સાહસમાં કુલ 400 કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લેવામાં આવશે.
વર્ષ 2010થી થાય છે આયોજન
ઉલ્લેખનીય છે કે વર્ષ 2010 થી કચ્છના જનરલ વિસ્તારના રણમાં વાર્ષિક ધોરણે 617 (સ્વતંત્ર) એર ડિફેન્સ બ્રિગેડના નેજા હેઠળ એર ડિફેન્સ રેજિમેન્ટ દ્વારા લેન્ડ યાચિંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે આ અભિયાન 7 થી 15 જાન્યુઆરી દરમિયાન યોજવામાં આવ્યું હતું.
ભારતીય સેનાના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત
આ વર્ષે 46 એર ડિફેન્સ રેજિમેન્ટ વર્ષ 2024-25 માટે કચ્છના જનરલ એરિયા રણમાં 77મા ભારતીય સેના દિવસ નિમિત્તે 15 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી 2025 દરમિયાન લેન્ડ યાચિંગ એક્સપિડિશનનું આયોજન કર્યું છે. આ પ્રસંગે ભારતીય સેનાના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય સેના વિશે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય
20 જવાનોની ટીમે આર્મી એડવેન્ચર વિંગના નેજા હેઠળ ભુજ સ્થિત લેન્ડ યાચિંગ નોડ ખાતે તાલીમ લીધી છે. જેમાં સર્વાઇવલ ડ્રીલનો સમાવેશ થાય છે. આ લેન્ડ યોટિંગ અભિયાનનો હેતુ જવાનો કચ્છના રણપ્રદેશના અનોખા ભૂપ્રદેશ અને જૈવ-વિવિધતા વિશે પર્યાવરણીય જાગૃતિ કેળવે તેમજ કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય સેના વિશે જાગૃતિ લાવવાનો છે.
આ સફર એડવેન્ચર ભરેલી હોય છે
આ અંગે બ્રિગેડિયર રવીન્દ્રસિંહ ચિમાએ જણાવ્યું હતું કે આ સફર એડવેન્ચર ભરેલી હોય છે એશિયામાં અહીં જ એક સ્થળ છે કે જ્યાં આ સફર થઈ શકે છે જેમાં દેશભરમાંથી જવાનોએ ભાગ લીધો તેને અભિનંદન પાઠવ્યા છે.તો વિવિધ પડકારોનો સામનો કરીને જવાનો 400 કિલોમીટરનો અંતર કાપીને આ લેન્ડ યાચિંગ એક્સપિડિશન પૂર્ણ કરશે.જેમાં તમામ સેફ્ટીનું ધ્યાન પણ લેવામાં આવશે અને આર્મી દ્વારા આવા સાહસિક અભિયાન મારફતે લોકોમા આર્મીમાં જોડાઈને દેશ સેવા કરે તેવુ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
દરરોજના 60થી 70 કિલોમીટરનું અંતર કાપશે
10મી લેન્ડ યોટિંગની એક્સપિડિશનને લીડ કરતા કેપ્ટન વીરેશ એસજીએ જણાવ્યું હતું કે, આ એક્સપિડિશનમાં એડવેન્ચર ટીમના કુલ 20 જવાનોએ ભાગ લીધો છે. 77માં આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે આ એક્સપિડિશન યોજવામાં આવી છે. આ અભિયાન દરમિયાન જવાનો દરરોજના 60થી 70 કિલોમીટરનું અંતર કાપશે. આજથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને 6 દિવસ બાદ આ અભિયાન ધોરડો ખાતે જ પૂર્ણ થશે. એડવેન્ચર સ્પોર્ટ્સને આ અભિયાનના કારણે પ્રોત્સાહન મળે છે.