નવી દિલ્હી : અમેરિકામાં હાઉસ જ્યુડિશિયરી કમિટીના સભ્ય રીપ લાન્સ ગુડેનને જસ્ટિસ ડિપાર્ટમેન્ટને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમની ગ્રુપ કંપનીઓ સામે બાઈડેન વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પસંદગીયુક્ત કાર્યવાહી સંબંધિત તમામ રેકોર્ડ સાચવવા વિનંતી કરી છે. આ માંગણી અમેરિકાના વિદાય લેતા રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકાર સત્તા છોડે અને ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ સંભાળે તેના થોડા દિવસો પહેલા કરવામાં આવી છે.
રિપબ્લિકન કોંગ્રેસમેને કરી માંગ : PTI અનુસાર ગુડેનને મંગળવારે એટર્ની જનરલ મેરિક ગારલેન્ડને લખેલા પત્રમાં માંગ કરી હતી કે, મંત્રાલય અદાણી જૂથ સામે કાર્યવાહી કરવાના તેના નિર્ણય સાથે સંબંધિત તમામ રેકોર્ડ અને દસ્તાવેજો સુરક્ષિત રાખે અને પ્રસ્તુત કરે. ગત 7 જાન્યુઆરીના રોજ ગારલેન્ડને લખેલા બીજા એક પત્રમાં ગુડેનને મંત્રાલય દ્વારા અદાણી ગ્રુપ પર તાજેતરમાં લગાવવામાં આવેલા આરોપ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
અદાણી કેસ સંબંધિત દસ્તાવેજો : રીપ લાન્સ ગુડેનને વધુમાં કહ્યું કે, આરોપ મૂકવામાં આવ્યો છે કે આ કૃત્યો સંપૂર્ણપણે ભારતમાં આચરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય નાગરિકો અને અધિકારીઓ સામેલ હતા. આનાથી અમેરિકન હિતોને કોઈ પણ રીતે નુકસાન થયું નથી. જો અદાણી કેસમાં આરોપો સાચા સાબિત થાય તો પણ અમે આ મુદ્દા પર નિષ્પક્ષ અને અંતિમ મધ્યસ્થી બની શકીશું નહીં.
રીપ લાન્સ ગુડેનને કહ્યું કે, તેનાથી વિપરીત ન્યાય વિભાગના આરોપ મુજબ અમારી ચૂંટણીઓનું સંચાલન કરવા માટે જવાબદાર યુએસ કંપની સ્માર્ટમેટિકના અધિકારીઓએ કથિત રીતે નાણાંની લોન્ડરિંગ કરી અને વિદેશી સરકારોને લાંચ આપી. જોકે, મેં અને મારા સાથીદારોએ ચૂંટણી પહેલાં આ ચિંતાઓને દૂર કરવા વારંવાર વિનંતી કરી હોવા છતાં, અમને તમારા મંત્રાલય તરફથી ક્યારેય કોઈ માહિતી મળી નથી.
શું છે અદાણી કેસ ? નોંધનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ગૌતમ અદાણી, સાગર અદાણી અને એઝ્યુર પાવર ગ્લોબલ લિમિટેડના એક્ઝિક્યુટિવ સિરિલ કેબનેસ સામે લાંચ અને કાવતરાના આરોપો દાખલ કર્યા હતા. જોકે, અદાણી ગ્રુપે આ તમામ આરોપોને ફગાવી દીધા છે.