અમદાવાદ: શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક જાન્યુઆરી 2025 થી પેટ ડોગનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે, એવા વ્યક્તિઓ કે જેમની પાસે પેટ ડોગ (પાલતુ શ્વાન) છે, તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર જઈને પોતાના ડોગનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. પરંતુ જો રજીસ્ટ્રેશન ન કરાવવામાં આવે તો શું થશે ? તો આવો જાણીએ વિસ્તારથી..
પેટ ડોગના રજિસ્ટ્રેશન માટે કેટલી ફી ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2025ની શરૂઆતની સાથે જ શહેરની અંદર તમામ પેટ ડોગ (પાળતું શ્વાન) માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે, જે પ્રક્રિયા સમગ્ર પણે ડિજિટલ રાખવામાં આવી છે. તેથી અમુક જરૂરી પુરાવા અપલોડ કરી 200 રૂપિયા ફી ભરી લોકો ઘરે બેઠા જ પોતાના ડોગનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. હાલ સુધીમાં 1265 ડોગનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.
નેશનલ એક્શન પ્લાન ફોર રેબિસ ફ્રી સિટી-2030માં છે પ્રાવધાન
CNCD વિભાગના હેડ નરેશ રાજપૂતે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા નેશનલ એક્શન પ્લાન ફોર રેબિસ ફ્રી સિટી-2030 સુધીમાં કરવા માટે તમામ શહેરી વિસ્તારને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. અને એનિમલ બર્થ કંટ્રોલ રૂલ 2023 આ બંને કાયદાકીય જોગવાઈઓમાં તમામ શહેરી વિસ્તારમાં પેટ ડોગનું રજીસ્ટ્રેશન મહાનગરપાલિકા પાસે કરાવવા માટેનું પ્રાવધાન કરેલ છે.
વર્ષ 2030 સુધીમાં અમદાવાદને રેબીઝ ફ્રી બનાવવા ભારત સરકારની ગાઈડલાઈન મુજબ પહેલી જાન્યુઆરી 2025 થી 31 માર્ચ દરમિયાન પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જઇને આ પ્રકારના સ્ટેપ ફોલો કરો અને તમારું રજીસ્ટ્રેશન ઝડપથી કરો.અમદાવાદના… pic.twitter.com/uo5Ius9UEe
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) January 9, 2025
1 જાન્યુ. થી 31 માર્ચ 2025 સુધી રજિસ્ટ્રેશન
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધી આમ ત્રણ માસ દરમિયાન શ્વાન ધરાવતા લોકોને પોતાના પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરવા માટે એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે. લોકો ઓનલાઈન જરૂરી ડોક્યુમેન્ટસ તથા 200 રૂપિયા ફી ભરીને પોતાના ડોગનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. પરંતુ આ સાથે કેટલાક પ્રશ્નો ઊભા થતા હોય છે કે જો ડોગનું રજીસ્ટ્રેશન ન કરાવવામાં આવે તો શું થાય ? રજીસ્ટ્રેશન કરાવવાથી શું ફાયદો થશે ? વગેરે પ્રશ્નોનો જવાબ પણ જોઈએ.
રજિસ્ટ્રેશન કરાવવાથી શું ફાયદો થશે ?
પેટ ડોગના રજીસ્ટ્રેશન બાદ તેમનો ડેટા અમદાવાદ મહાનગરપાલિકાને પેટ ડોગ નિયમન માટે ઉપયોગી થશે. દર વર્ષે પેટ ડોગ ઓનર્સ પોતાના પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવે છે, તેમની જાળવણી અને સાચવણી કરે છે. તેમનું ડોગ ખોવાઈ જાય તો જો તે કોર્પોરેશન પાસેથી માહિતી માંગશે અથવા કોઈ જગ્યાએ તે રખડતું મળે તો સ્કેનરના આધાર ઉપર તેની માહિતી મેળવીને તેના માલિક સુધી પહોંચાડવું પણ સહેલું બનશે. ઘણી વખત માલિક દ્વારા તે ડોગને ત્યજી દેવામાં આવ્યું હોય તો પણ સ્કેનરના આધારે તેને તેના માલિક સુધી પહોંચાડવું સરળ બનશે.
ડોગનું રજિસ્ટ્રેશન ન કરાવવામાં આવે તો શું થશે ?
પ્રાથમિક તબક્કે હાલ ત્રણ મહિના માટે રૂપિયા 200 ફી રાખીને ડોગનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે, ત્રણ મહિના દરમિયાન જો કોઈ વ્યક્તિ પોતાના ડોગનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તો લેટ ફી સાથે 500 રૂપિયા ભરીને તેણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યાર બાદ પણ જો રજીસ્ટ્રેશન નહીં કરાવે તો 1,000 - 1,500 રૂપિયા સુધી તેણે ચૂકવવા પડશે.
કોર્પોરેશન ઘરે ઘરે જોઈને ડોગ રજિસ્ટ્રેશનની તપાસ કરશે
રજીસ્ટ્રેશન માટેનો અને લેટ ફી વસૂલવાનો પણ સમયગાળો પૂર્ણ થશે ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ઘરે -ઘરે જઈને ચેક કરવામાં આવશે કે ડોગનું રજીસ્ટ્રેશન થયું છે કે નહીં અને જો તેમાં પણ રજીસ્ટ્રેશન વગરનું ડોગ જણાય આવશે તો કાયદેસરની કાર્યવાહી પણ નિયમ અનુસાર માલિક વિરુદ્ધ કરવામાં આવશે.
ડોગમાં ઇલેક્ટ્રોનિક ચીપ લગાડવા અંગે પણ વિચારણા
CNCD વિભાગના હેડ નરેશ રાજપૂતે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, આ પ્રાથમિક તબક્કો પૂર્ણ થયા બાદ ડોગમાં એક ઇલેક્ટ્રોનિક ચીપ લગાડવા વિશે પણ કોર્પોરેશન વિચારણા કરી રહ્યું છે, કે જેના દ્વારા ડોગ ક્યાં છે ? કઈ હાલતમાં છે ? સમગ્ર માહિતી સિદ્ધિ ઓનલાઇન મેળવી શકાશે.