બનાસકાંઠા : ગુજરાતનું પવિત્ર યાત્રાધામ એટલે માં અંબાનું અંબાજી મંદિર. અહીંયા લાખો માઇભક્તો માં અંબાના ધામમાં શીશ ઝુકાવી તેમના આશીર્વાદ મેળવતા હોય છે. દર ઉત્તરાયણ પર અહીંયા ખેડબ્રહ્માના માઈભક્તો દ્વારા અનોખી ભક્તિ દેખાડવામાં આવે છે. જેમાં ખેડબ્રહ્માથી આવતા માંના ભક્તો દર ઉત્તરાયણ પર મા અંબાના ધામને પતંગોથી શણગારે છે.
અંબાજી મંદિરમાં પતંગનો શણગાર : ખેડબ્રહ્માના ભક્તો દર ઉતરાયણના આગળના દિવસે રંગબેરંગી અને જય અંબે લખેલી પતંગો લઈને અંબાજી મંદિર ખાતે પહોંચે છે. બાદમાં સંપૂર્ણ મંદિરને પતંગોથી શણગારે છે. રોશનીથી ઝળહળતું માં અંબાનું મંદિર દર ઉતરાયણ પર પતંગોથી શણગારેલું જોવા મળે છે. માઇભક્તોની આ અનોખી ભક્તિને જોઈ ખેડબ્રહ્માના ભક્તો પર સદાય માતાજીના આશીર્વાદ બન્યા રહે તેવી મંદિરના પૂજારી પણ પ્રાર્થના કરતા હોય છે.
ખેડબ્રહ્માના માઈભક્તોની અનોખી આસ્થા : દર ઉતરાયણ પર દરેક લોકો પોતાના પરિવાર સાથે ઉતરાયણ મનાવવા માટે અગાઉથી જ તૈયારીઓ કરતા હોય છે. પરંતુ ખેડબ્રહ્માના ભક્તો ઉત્તરાયણ પહેલા જ માં અંબાના ધામને શણગારવા માટેની તૈયારીઓ કરતાં હોય છે. મા અંબાના ધામને પતંગોથી શણગાર્યા બાદ જ આ ભક્તો ઘરે જઈને ઉતરાયણ મનાવે છે. એટલે કે ઉતરાયણના તહેવાર પર માં અંબાને આ માઈ ભક્તો ક્યારેય ભૂલતા નથી.
ચેતન પંચાલ અને તેમની ટીમની ભક્તિ : ખેડબ્રહ્માના ચેતન પંચાલ અને તેમની ટીમ છેલ્લા કેટલાય વર્ષોથી આ રીતે જ માની ભક્તિ કરે છે. તેના માટે તેઓ કોઇ જ ચાર્જ લેતા નથી. વધુમાં આવવા-જવાનો ખર્ચ પણ જાતે જ ઉઠાવે છે. મા અંબાના ધામમાં આવતા અનેક ભક્તો પોતાની અલગ અલગ રીતે ભક્તિ કરી મા અંબાના આશીર્વાદ મેળવતા હોય છે.