મોરબીની સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂડિયાની ધમાલ, સીસીટીવી આવ્યાં સામે - Morbi Crime - MORBI CRIME
Published : May 22, 2024, 9:22 AM IST
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂડિયો ઘુસી ગયો હતો અને સ્ટાફ સાથે રકઝક કરી ધમાલ મચાવી હતી. મોરબીના સો ઓરડી મેઈન રોડ પર આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં મંગળવારે બપોરે એક ઇસમ દારૂનો નશો કરી ઘુસી આવ્યો હતો અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ પર હાજર મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કર્યું હતું. દારૂના નશામાં ધૂત ઇસમ મહિલા કર્મચારીને ધમકાવતો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળે છે તે હકીકત છે અને દારૂનો નશો કરી એક ઇસમ ધોળે દિવસે કાયદો હાથમાં લઈને સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઘૂસી જાય અને મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કરે છે તે સ્પષ્ટ કરે છે કે મોરબીમાં પોલીસનો ડર રહ્યો નથી. ઘટનાની જાણ થતાં પોલીસ આવી હતી અને ધમાલ કરનાર ઈસમની અટકાયત કરી હોવાની માહિતી તપાસ અધિકારી જે જે ડાંગર પાસેથી મળી છે. દારુ પીને દંગલ મચાવનાર આરોપી ગોપાલ ઉર્ફે ગૌતમ નાનજી સારેસા વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું.