અમરેલી: સૌરાષ્ટ્ર તેમજ અમરેલી અને રાજકોટ, ગોંડલ જામનગર સહિતનાં સેન્ટરમાં લસણની વેચવાલી થોડી વધી હોવાથી આજે ભાવમાં રૂ.100થી 150નો ઘટાડો થયો હતો. લસણની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે લસણના ભાવમાં કોઈ મોટી ઉથલપાથલ થાય તેવા સંજોગો ઓછા છે અને બજારો એકધારા ઘટતા રહે તેવી ધારણા છે.
સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં લસણનું વાવેતર કરવામાં આવે છે, અને ખેડૂતને સારા ભાવ મળી રહે છે. હાલ છેલ્લાં 15 દિવસમાં 2 વાર લસણના ભાવમાં ઘટાડો થયો છે. લસણના ભાવ ઘટતા ખેડૂત ઉપર બોજ વધવા લાગ્યો છે.
રાજકોટમાં શું છે લસણનો ભાવ
રાજકોટમાં લસણની 1800 થી 2000 કટાની આવક હતી અને ભાવ સરેરાશ રૂ.1000 થી 1200 બોલાયો છે, જ્યારે મીડીયમ ક્વોલિટીના લસણનો ભાવ રૂ.1500 થી 1600 રૂપિયા અને સારા લસણનો ભાવ 1700 થી 1900 રૂપિયા અને સુપરમાં 1900 થી 3000 રૂપિયાનો ભાવ બોલાયો છે. હાલ લસણના ભાવમાં સતત ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
જામનગરના માર્કેટિંગ યાર્ડમાં શું છે સ્થિતિ
જામનગર માર્કેટિંગ યાર્ડમાં પણ લસણની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, અને લસણ નાખવામાં ઘટાડો થયો છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણના 1500 કટાની આવકનો થઈ છે, માર્કેટિંગ યાર્ડમાં લસણનો ભાવ 1500 રૂપિયાથી 3000 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શું છે ભાવ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ લસણની આવક રેકોર્ડ બ્રેક નોંધાઈ છે. 3,700 કટાની લસણની આવકનો થાય છે. લસણની 1250 થી 3,000 ભાવ બોલાઈ રહ્યો છે હાલ યાર્ડ માં સતત આવક માં વધારો થયો છે જેથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
અમરેલી પંથકમાં લસણના હાલના ભાવ
અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડની અંદર પણ લસણની આવક નોંધાઈ રહે છે અને લસણનો ભાવ 20 કિલોનો 2000 રૂપિયા થી 3000 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે, આ અંગે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે લસણની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે લસણના ભાવમાં ઘટાડો થયો છે.
મુકેશભાઈ નામના એક ખેડૂતે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લાં પાંચ વર્ષથી લસણનું વાવેતર કરે છે, હાલના વર્ષમાં પણ લસણનું વાવેતર કર્યું પરંતુ ભાવ ન હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. આ વર્ષે અને તેને આગળના એટલે કે 2021-22 અને 2022-23માં લસણનો ભાવ ₹4,000 થી 6000 રૂપિયા સુધી મળ્યો હતો, જોકે, ચાલુ વર્ષે લસણના ભાવમાં ખૂબ જ ઘટાડો થયો છે.
આ અંગે માર્કેટિંગ યાર્ડના વેપારી હરેશભાઈએ જણાવ્યું કે માર્કેટિંગ યાર્ડની અંદર લસણની આવક સૌરાષ્ટ્રમાં સતત વધી રહી છે અને જેના કારણે ભાવ ઘટી રહ્યા છે.