અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં મોટાપાયે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી રસ્તો પહોળા કરવા માટે 45 રહેણાક મકાન 115 વ્યવસાયિક એકમો તોડી પાડવામાં આવ્યા. ત્યારબાદ અહીંયા રહેતા અનેક લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે જે લોકોના ઘર તોડી દેવામાં આવ્યો તે લોકોને હવે શું પરિસ્થિતિ છે આને કેવી રીતે જીવન ગુજારી રહ્યા છે. જુઓ આ વિશેષ અહેવાલ.
અમદાવાદના ગોમતીપુર સ્થિત ચાર તોડા કબ્રસ્તાન, ચતુર સિંહની ચાલી, સૈયદ રિયાઝ હુસૈનની ચાલી, પૂજારીની ચાલી અને હાથી ખાઈ ચાર રસ્તા, અંબિકા હોટલ સુધી ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં 45 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે, અને 115 થી વધુ દુકાનો અને 10 ધાર્મિક સ્થળોને પણ દૂર કરવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં રહેતી સુગરા બાનોએ જણાવ્યું હતું કે 'અમને 15 દિવસ પહેલા કોર્પોરેશન તરફથી નોટિસ મળી હતી, ત્યારબાદ અહીંના લોકોએ રમઝાન પછી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવે એવા પ્રયાસ કર્યો અને અમને એ પણ સમાચાર મળ્યા કે રમઝાન પછી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે, જેથી અહીંના લોકોને થોડી રાહત હતી. પરંતુ ૨૧મી તારીખે અચાનક કોર્પોરેશનના લોકો આવ્યા અને કહ્યું કે કાલે સવારથી ડિમોલિશન હાથ ધરવામાં આવશે.

હવે આપણે એક રાતમાં કેટલો સામાન બહાર કાઢી શકીશું ? આપણા ઘરમાં રાખેલી વસ્તુઓ આપણે ક્યાં ખસેડવી જોઈએ ? કેટલાક લોકોએ પોતાનો સામાન અહીં-ત્યાં રાખ્યો અને કેટલાક લોકો પોતાનો સામાન બહાર કાઢી શક્યા નહીં. કોર્પોરેશનના લોકો સવારે 7:00 વાગ્યાથી આવ્યા હતા. અને તેઓએ અહીં બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું . હવે થોડા દિવસોમાં રમઝાન આવવાનો છે અને સાથે 27મી તારીખથી બોર્ડની પરીક્ષાઓ પણ છે. હવે અહીંના લોકો રમઝાનમાં ઉપવાસ કરીને પોતાનો સમય કેવી રીતે પસાર કરશે? અને અહીંના નાના બાળકો બોર્ડની પરીક્ષા કેવી રીતે આપશે, તેમના અભ્યાસના પુસ્તકો પણ આ કાટમાળમાં દબાઈ ગયા છે. આ કાટમાળમાં કેટલાક બાળકોની હોલ ટિકિટ પણ દબાયેલી છે. અમે ૧૯૭૯થી આ વિસ્તારમાં રહીએ છીએ. અમારી પાસે તમામ પ્રકારના પુરાવા છે, અમારી પાસે દસ્તાવેજો સાથેનું ઘર હતું, છતાં તંત્ર દ્વારા અમારા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, ન તો અમને કોઈ વળતર આપવામાં આવ્યું, ન તો અમને અત્યાર સુધી રહેવા માટે કોઈ જગ્યા આપવામાં આવી છે'.

અન્ય એક વિસ્થાપિત વ્યક્તિએ કહ્યું કે 'હું ૧૯૯૩થી અહીં રહું છું, આ કેસ ૨૦૦૬થી ચાલી રહ્યો હતો, પરંતુ ત્યારથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને હવે ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ, અમને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને ૧૫ દિવસની અંદર ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. અમે રમઝાન મહિના સુધીનો સમય માંગ્યો હતો, પણ અચાનક, રમઝાન મહિના પહેલા, અહીં બુલડોઝર ચલાવવામાં આવ્યું. હવે અમે ગરીબ છીએ, અમે ક્યાં જઈશું ? ૨૪ કલાકમાં કોણ પોતાને સંભાળી શકે ? ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવન ચાલી રહ્યું છે. અહીં વીજળી પાણી બંધ છે, લાઈટ કનેક્શન કપાઈ ગયું છે, પાણી પણ નથી આવી રહ્યું, કોઈ પાયાની સુવિધા ઉપલબ્ધ નથી. અમે અમારા ખાવા-પીવાની વ્યવસ્થા અહીં-ત્યાં વિસ્તારમાં કરી રહ્યા છીએ અને સવારથી સાંજ સુધી આ કાટમાળ પર બેસીને, અમે અમારા સપનાના ઘરને યાદ કરીએ છીએ. હવે અમારી એક જ માંગ છે કે સરકાર શક્ય તેટલી વહેલી તકે અમારા માટે કોઈ વ્યવસ્થા કરે અને અમને વળતર આપે'.

બીજા ઘર વિહોણા થયેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં કેટલાક બાળકો ધોરણ 10માં અભ્યાસ કરે છે અને 27મી તારીખે એમની પરીક્ષા છે, એ પહેલા એમની બુક્સ કાટમાળમાં દબાઈ ગઈ છે. આ બાળકો બીજાને ઘરે જઈને વાંચી રહ્યા છે, આસપાસના લોકો મદદ કરી રહ્યા છે, અમારા એરીયાના લોકોએ મહાનગરપાલિકાના અધિકારીઓને જણાવ્યું હતું કે, અમારા ઉપવાસનો રમઝાન મહિનો પૂર્ણ થઈ જવા દો એ વખતે કોર્પોરેશને આશ્વાસન પણ આપ્યું હતું અમને થયું કે દોઢ મહિનાનો સમય મળી ગયો છે, પણ આ તો ત્રણ દિવસમાં આવ્યા અને મકાનો કાટમાળમાં ફેરવી નાખ્યા.