સુરત: કામરેજ તાલુકાના ખોલવડ ગામની મુખ્ય બજારમાં 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ખોલવડ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ હારુન તૈલી અને કામરેજ તાલુકા પંચાયતના સભ્ય એઝાઝ તૈલીના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હતી અને હાજર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતા સોની અને બોલીવુડ તથા ટેલિવિઝન અભિનેત્રી દીપ શીખા નાગપાલે ખાસ હાજરી આપી હતી.
હજારોની સંખ્યામાં ઉમટેલા લોકોએ 'ભારત માતા કી જય'ના નારા સાથે દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. હાજર દાતાઓએ પ્રોત્સાહન રૂપે વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર પણ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં છ વર્ષથી હારુન તૈલી અને તેમના પરિવાર દ્વારા આયોજિત થતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશ પ્રત્યે પ્રેમ, સામાજિક એકતા અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના વધારવાનો છે. વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી સહિત અનેક મહાનુભાવોએ આ આયોજનને બિરદાવ્યું હતુ.