દ્વારકા: ગુજરાતમાં અનેક વિસ્તારોમાં દબાણો હટાવવા માટે સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં જ દ્વારકામાં અનેક વિસ્તારોમાં ડિમોલિશન કરાયું હતું, ત્યારે જિલ્લાના બેટ-દ્વારકાના બાલાપરમાં ફરીથી ડિમોલિશનની કામગીરી શરૂ થઈ છે. ગૌચરની જમીન પર કરવામાં આવેલા ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
1.75 કરોડ રૂપિયાની જમીન દબાણમુક્ત કરાઈ
બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં સરકારી ગૌચરની જમીન પર કરાયેલા ધાર્મિક દબાણને હટાવવાની કામગીરી આજે કરવામાં આવી હતી. આ દબાણની કામગીરીથી 1.75 કરોડ રૂપિયાની 6500 ચોરસ મીટર જમીનને દબાણ મુક્ત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસના 800 જવાનો બંદોબસ્તમાં રહ્યા હતા.
હાઈકોર્ટનો સ્ટે હટ્યા બાદ કામગીરી
આ અંગે પ્રાંત અધિકારી અમોલ આમટેએ જણાવ્યું હતું કે, બાલાપોર વિસ્તારમાં 20 દિવસ પહેલા અમે ડિમોલિશનની કાર્યવાહી કરી હતી. આ બાદ કેટલાક બાંધકામ સરકારી ગૌચરની જમીનમાં રહી ગયા હતા અને ત્યાં હાઈકોર્ટનો સ્ટે આવી ગયો હતો. આજે હાઈકોર્ટનો આ સ્ટે ઓર્ડર પાછો ખેંચવામાં આવ્યો છે અને અમે તે બાદ અહીં કાર્યવાહી કરીને સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામ હતા તેને હટાવવાની કામગીરી કરી રહ્યા છીએ. આવતીકાલે બપોર સુધી આ ગેરકાયેદસર બાંધકામ હટાવવાનું કામ પૂર્ણ થઈ જશે. આ લગભગ 6500 ચોરસ મીટર જમીન છે. તેની માર્કેટ વેલ્યૂ લગભગ 1.75 કરોડ રૂપિયા છે.
પોલીસ-SRPના 800 જવાનો બંદોબસ્તમાં
આજરોજ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. તેમાં પોલીસ, SRPની કુલ 800 જેટલા બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ જગ્યા પર દબાણો હતા તેના પર હાઈકોર્ટમાં અરજી થઈ, આજે હાઈકોર્ટે સ્ટે હટાવી દીધો છે, જેના આધારે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: