બનાસકાંઠા: વાવના દિપાસરા ગામેથી ઝડપાયેલા કોલ સેન્ટરનો મામલો હવે સંસદમાં ગુંજ્યો છે. બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે આ મામલે પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે, તેમને ઇન્ટરનેશનલ કોલ સેન્ટર જ્યાંથી ઝડપાયું છે તે મકાન માલિક ભાજપ નેતા હોવાના આક્ષેપો કર્યા છે. સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપો કરતા કહ્યું કે, તપાસમાં ભાજપ નેતાને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેમને આગળ કહ્યું કે, એક તરફ સરકાર પારદર્શિતાની વાતો કરે છે તો બીજી તરફ વાવના દિપાસરા ગામે સાયબર ક્રાઈમ ભુજ દ્વારા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી લેવા માટે પાડવામાં આવેલી રેડ સમયે પત્રકારોને પણ અંદર જવા દેવામાં આવ્યા ન હતા. સાંસદ ઠાકોરે આ મામલો ગંભીરતાથી સંસદમાં ઉઠાવ્યો હતો અને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી તેમને માંગ પણ કરી છે.
શું છે સમગ્ર મામલો: તાજેતરમાં જે વાવના દિપાસરા ગામેથી મોટું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી લેવામાં સાયબર ક્રાઇમ ભુજની ટીમને સફળતા મળી હતી અને અહીંયા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મહિલાઓ સહિત 16 જેટલા લોકોની અટકાયત કરીને 8,00,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, આ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર દ્વારા વિદેશના નાગરિકોને લોન આપવાના બહાને લાલચ આપી અલગ અલગ ચાર્જ વસૂલ કરી પૈસા પડાવવાનું મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિ અહીંયા આ ટોળકી દ્વારા ચલાવવામાં આવતી હતી, જેની માહિતી સાયબર ક્રાઇમ ભુજની ટીમને આપવામાં આવતા રેડ કરીને સમગ્ર મામલાનો પર્દાફાશ કરાયો હતો.
10 લોકોના ફરી બે દિવસના રિમાન્ડ મંજુર: અટકાયત કરેલ મહિલા સહિત તમામ 16 લોકોના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં, આજે ફરી વાવ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ મહિલાઓને સબજેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો તો. અન્ય 10 લોકોના ફરી બે દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે હવે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે હવે આ મામલામાં આગામી દિવસોમાં પોલીસ તપાસમાં કેવા ચોંકાવનારા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: