નર્મદા: આજે માં નર્મદાનો પ્રાગટ્ય દિવસ હોવાથી નર્મદા જયંતિ સમસ્ત માંગરોળ ગ્રામજનો દ્વારા ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઇ હતી. જેમાં નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવી. જેમાં એક મોટી નાવડી અને 10 હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જઈ બેઉ કિનારે પહોંચી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરાતા 'નર્મદેહર'ના નામથી નર્મદાકાંઠો ગુંજી ઉઠ્યો હતો.
નર્મદા જયંતિ પર નર્મદા પૂજન
નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદાનું પૂજનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તજનોએ દીવડા પ્રગટાવી નર્મદા સ્નાનનો પણ લ્હાવો લીધો હતો. આજે નર્મદા જયંતિએ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ (500મીટર ) સાડી (ચૂંદડી ) નર્મદા મૈયાને અર્પણ કરવાનો વિશેષ કાર્યક્ર્મ યોજ્યો હતો. જેમાં વાજતે ગાજતે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં કળશ કન્યા, મહિલા મંડળની બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યા જોડાયા હતા.
જેમાં ખાસ સુરતથી મોટા તાકામાં મંગાવેલી સાડીનો મોટો રોલ બનાવી બહેનો તથા ગ્રામજનોએ હાથમાં સાડી પકડી નર્મદા કિનારે પહોંચી હતી. 10થી 12 જેટલી નાવડીઓની મદદથી સામે કિનારે સાડીનો છેડો પહોંચાડી 1500ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરીને નર્મદા જયંતિની અનોખી વિશેષ ઉજવણી કરી હતી. આ ઉપરાંત નર્મદા પૂજન, કન્યા પૂજન, સાડી પૂજન બાદ આરતી પૂજન કરાયા બાદ દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવ્યા હતા.
એક જ કલરની આખી સાડી
1500 ફૂટની 100 જેટલી સાડીનો તાકો સુરતથી લાવવામાં આવ્યો હતો. જેને મોટા રોલ સ્વરૂપે વિટાળવામાં આવ્યો હતો. સાડી અર્પણ કર્યા બાદ આ સાડી પ્રસાદી રૂપે ગામની મહિલાઓને વિતરીત કરવામાં આવી હતી. ત્યાર બાદ સામૂહિક પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખેલો. માંગરોળ મંગલેશ્વર ઘાટ પાસે આ કાર્યક્રમનું આયોજન સમસ્ત ગામ વતી કરવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો: