જામનગર: જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરના માઉન્ટેડ વિભાગમાં જોડાયેલા ચેતક, હરણી તેમજ સરીતા નામના ત્રણ અશ્વના માત્ર આઠ દિવસના સમયગાળા દરમિયાન મૃત્યુ નિપજતાં પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ છે.
થોડા જ દિવસના અંતરે 3 ઘોડાના મોતના પગલે પશુ ચિકિત્સકની ટીમને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી, અને ત્રણેય અશ્વના પી.એમ.કરાવ્યા બાદ તેમના સેમ્પલો વગેરે મેળવીને પૃથકરણ માટે અમદાવાદ તેમજ હરિયાણાના હિસ્સાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
8 દિવસમાં 3 ઘોડાના મોત થઈ ગયા
જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં હાલમાં કુલ 16 જેટલા અશ્વ માઉન્ટેડ વિભાગ સાથે જોડાયેલા છે, અને તેઓની સેવા લેવામાં આવે છે. જે પૈકી ગત 27 મી તારીખે હરણી નામની માદા અશ્વનું ટૂંકી બીમારીમાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ 30 મી તારીખે ચેતક નામના અશ્વનું પણ ત્રણ દિવસની ફીવરની બીમારી બાદ મૃત્યુ થયું હતું, અને ગત 4થી તારીખે સરિતા નામની માદા અશ્વનું પણ ટૂંકી બીમારીમાં જ મૃત્યુ નિપજ્યું હતું, જેથી પોલીસ તંત્રમાં ભારે દોડધામ થઈ છે. મોન્ટેડ વિભાગની ટીમ દ્વારા ત્રણેય મૃત અશ્વના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ દળના અશ્વની ચકાસણી હાથ ધરાઈ
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના પશુ ચિકિત્સક ડો. તેજશ શુક્લા અને તેઓની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી, અને ત્રણેય પશુઓની બીમારી દરમિયાન સારવાર કરવામાં આવી હતી અને તેઓના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. જેના નમુના લેવામાં આવ્યા હતા અને અમદાવાદ તેમજ હરિયાણાના હિસ્સારમાં આવેલી પશુઓની લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. તેના રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર હકીકત જાણવા મળશે. તમે પોલીસ દળના અન્ય અશ્વની મેડીકલ ચકાસણી પણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: