અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. ગત મોડી રાત્રે વડોદરાથી અમદાવાદ આવેલા જૈન પરિવારની કાર આગળ જઈ રહેલા આઇસર પાછળ ઘૂસી ગઈ હતી. તેથી કારમાં સવાર દંપતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
કાર અને આઈશરનો અકસ્માત: આ કારમાં દંપત્તિની 8 વર્ષની પુત્રી અને 5 વર્ષના પુત્રને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાળકોનો બચાવ કરાયો હતો. આ એક્સિડન્ટમાં ભોગ બનનાર દંપતિ અમદાવાદના શાહીબાગનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જે અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. દંપતિની અંતિમયાત્રા સાંજે મૃતકના ઘરેથી શાહપુરના શાંતિવન સ્મશાન ગૃહ સુધી નીકળશે.
2 બાળકોનો બચાવ: પોલીસે આપેલી માહિતી મુજબ મૃતક સ્ક્રેપના વ્યવસાય સાથે જોડાયેલા હતા. જેઓ પોતાની પત્ની અને તેમની 8 વર્ષની બાળકી અને 5 વર્ષના બાળક સાથે ગત મોડી રાત્રે પોતાની એમજી હેક્ટર ગાડીમાં વડોદરાથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા. જ્યાં તેમની ગાડી ઓવર સ્પીડમાં આવતી આઈશર સાથે ટકરાતા ગાડીમાં બેઠેલા દંપતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે 2 બાળકોને ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. 2 બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતકના પરિવારમાં માતા-પિતા અને ભાઈ-ભાભી છે. જેમને જાણ કરાઈ હતી. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કારચાલકે જોખમી ડ્રાઈવિંગ કર્યુ: સમગ્ર ઘટના અંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે 3:37 વાગ્યા પહેલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અમદાવાદ ટોલ પ્લાઝાથી આશરે 500 મીટર વડોદરા તરફ કારચાલક વિશાલ ગણપતલાલ જૈન એ પોતાની કાર પૂરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી હતી. પોતાના પરિવારની જિંદગી જોખમાય તે રીતે ગાડી હંકારીને આગળ જતા આઈશર MH-04-MH-2688ને પાછળથી ટક્કર મારી હતી. જેના લીધે તેમને અને તેમની પત્ની ઉષાબેનને ગંભીર ઈજાઓ થતા તેઓના ઘટના સ્થળે જ મોત થયા હતા.
આ પણ વાંચો: