Maha Shivratri 2024: કેલિફોર્નિયાનો જેસન માર્ટિન ભવનાથ આવ્યો, ભગવાન નરસિંહનું બનાવવું છે મંદિર
Published : Mar 6, 2024, 7:59 PM IST
જૂનાગઢઃ ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળામાં દેશ વિદેશથી ભકતો અને સાધુ સંતો પધારી રહ્યા છે. જેમાં અમેરિકાના કેલિફોર્નિયાથી એક યુવક ખાસ ભવનાથ આવ્યો છે. જેસન માર્ટિન નામનો આ યુવક હિન્દુ સંસ્કૃતિ અને યોગ વેદાભ્યાસથી પરિચિત છે. આ યુવકને પ્રભુ નરસિંહમાં બહુ શ્રદ્ધા છે. તેણે પોતાના વતનમાં નરસિંહ ભગવાનનું મંદિર પણ બનાવવું છે. તે સમગ્ર ભારતમાં નરસિંહ ભગવાનના મંદિરોમાં દર્શન કરી રહ્યો છે. અહીં સાધુ-સંતો અને મહાદેવના આશીર્વાદ અને તેમની કૃપા પ્રાપ્તિ માટે જેસન આવ્યો છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં રહેતો અને વન વિભાગમાં ફરજ બજાવતો જેસન માર્ટિન ભગવાન નરસિંહને તેના ઈષ્ટદેવ તરીકે માને છે. તે યોગ ફિલોસોફીની સાથે વેદ, પુરાણ, ઉપનિષદ, ગીતા અને યોગસૂત્રનો અભ્યાસ કરી રહ્યો છે. પ્રથમ વખત તે આ મહા શિવરાત્રીના મેળામાં આવ્યો છે. તેના ગળામાં નરસિંહ ભગવાનનું તાવીજ પણ જોવા મળે છે. ભવનાથના મેળાની સંસ્કૃતિ, અહીંના સાધુસંતો અને ખાસ કરીને ધાર્મિક પરંપરાઓને જોઈને તે ખૂબ જ અભિભૂત થયો છે. આગામી 4 દિવસ સુધી હજુ તે મહાશિવરાત્રીના મેળામાં રોકાણ કરીને સનાતન ધર્મ અને ખાસ કરીને સાધુ સંતો દ્વારા જે ધુણાઓ નાખવામાં આવે છે તેની ધાર્મિક માહિતી એકત્ર કરવા માંગે છે.
હું વિષ્ણુના એક અવતાર એવા નરસિંહ ભગવાનમાં બહુ શ્રદ્ધા ધરાઉં છું. મારી ઈચ્છા છે કે મારા વતનમાં નરસિંહ ભગવાનનું એક મંદિર બને, તેથી હું અહીં તેમના વિશે માહિતી એકત્ર કરી રહ્યો છું. હું ભવનાથના મહા શિવરાત્રીના મેળામાં પ્રથમ વખત આવ્યો છું. મને અહીં આવીને બહુ પાવન અનુભૂતિ થાય છે...જેસન માર્ટિન(કેલિફોર્નિયાનો યુવાન)