સુરત : છેલ્લા ઘણા લાંબા સમયથી સુરતમાં એક બાદ એક પારિવારિક હત્યાની ઘટના સામે આવી રહી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં ફરી એક પતિએ પત્નીની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં ગોડાદરા પોલીસે આરોપી જયસુખભાઈ વાણીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં પારિવારિક હત્યાની ઘટના : સુરતમાં એક બાદ એક પારિવારિક હત્યાની ઘટના સામે આવી રહી છે. ફરી સુરતના ગોડાદરા પોલીસમાં આવી જ એક ફરિયાદ નોંધાઈ છે. જે અનુસાર ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ દેહવદડ ગામમાં આવેલ સન્ડે લગુન હાઈટ્સમાં જશુભાઈ વાણીયા પરિવાર સાથે રહેતા હતા. તેઓ પરિવારમાં પત્ની નમ્રતા, દેરાણી, બે દીકરી અને સાસુ-સસરા સાથે સંયુક્ત રીતે રહેતા હતા.
મહિલાનું ગળું કાપી હત્યા કરાઈ : બનાવના દિવસ 30 ડિસેમ્બરે વહેલી સવારે બે વાગ્યાની આસપાસ જયસુખભાઈએ તેમની પત્નીના ગળાના ભાગે ચાકુના ઘા કરી હત્યા કરી નાખી હતી. જે બનાવની જાણ થતા જ ગોડાદરા પોલીસનો કાફલો બનાવ સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે પરિવારનું નિવેદન લઈ મૃતક નમ્રતાબેનના મૃતદેહનું પંચનામું કરી સ્વીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
ઘરકંકાસમાં આવ્યું ગંભીર પરિણામ : આ બાબતે DCP ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે, ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આરોપી જયસુખભાઈ વાણીયાએ પોતાની પત્ની નમ્રતાબેન સાથે નોકરીને લઈને ઉગ્ર ઝઘડો કર્યો હતો. બાદમાં તેઓએ પોતાની પત્નીને ગળાના ભાગે ચાકુના ઘા મારી હત્યા કરી નાખી હતી. જે બનાવ અંગે પોલીસને જાણ થતા જ ગોડાદરા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો.
આરોપી પતિની ધરપકડ કરાઈ : તપાસમાં એવું જાણવા મળ્યું કે, આરોપી અને તેની પત્ની વચ્ચે બે દિવસ પહેલા પણ કોઈ વાતે ઝઘડો થયો હતો. આરોપી જયસુખભાઈ કોઈ કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા. જ્યારે તેમની પત્ની નમ્રતા સાડીમાં ફોલટીચ કરી પરિવારને આર્થિક સહયોગ આપતા હતા. હાલ તો સમગ્ર બનાવમાં હકીકત શું છે તે અંગે હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ પરિવાર સૂતો હતો ત્યારે બન્યો હતો.