અમરેલી : તાજેતરમાં ચર્ચાયેલા અમરેલીના પાયલ ગોટી લેટર કાંડ મામલે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને એક પત્ર પાઠવ્યો હતો. જેમાં લેટર કાંડ મામલે હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા બાબતે રજૂઆત કરી છે.
દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો : દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું કે, અમરેલીના તાજેતરના બનાવ અંગે ઇલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મીડિયાના અહેવાલથી મને જાણ થઈ કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમાં અમરેલી પોલીસ દ્વારા અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષભાઈ વઘાશીયા, એક મહિલા સહિત કુલ 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ વિભાગ પર કર્યા ગંભીર આક્ષેપ : જ્યારે આરોપીઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી કહેવાતા આ પત્ર લખવા માટે ભાજપ આગેવાનના નામ આપવા દબાણ કરેલ તેવી હકીકત અંગે મનીષ વઘાસીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. જે મેં મીડિયાના માધ્યમથી જોઈ હતી, જે અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી પોલીસે પોતાની જાતે, કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરી હોઈ શકે તેમ મારું માનવું છે. વધુમાં, કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે.
નાર્કો ટેસ્ટ માટે તૈયારી દાખવી : આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઇએ. જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.
દિલીપ સંઘાણીની મુખ્ય રજૂઆત...
સરકાર પોલીસ દ્વારા થયેલી મહિલાની ગેરકાયદેસર ધરપકડ છાવરે છે, તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહે છે, તે હકીકત લોકોને પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઇકોર્ટના સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.
લેટર કાંડના મુખ્ય આરોપી દ્વારા થોડા દિવસ પહેલા પત્રકાર પરિષદ સંબોધન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપી મનીષ વઘાસીયાએ પોલીસે માર મારી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓને આ લેટર કાંડમાં સામેલ છે કે નહીં જેમ અમને પોલીસે માર મારી અને નામ પૂછ્યા હતા, જે અંગે આજે દિલીપ સંઘાણીએ પત્ર પાઠવ્યો છે.