નર્મદા: નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પેટા ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનારા આપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા છે. દરેક બેઠક પર ભાજપની સામે કોંગ્રેસ અને આપ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ડેડીયાપાડાના ઝાંક ગામની અનુસૂચિત આદિ જાતિ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
ઝાંક ગામની અનુ આદિજાતિ બેઠક પર ચૂંટણી: ડેડીયાપાડાની ઝાંક ગામની અનુસૂચિત આદિજાતિ બેઠક પર ભાજપમાંથી સુરેશ વસાવા, આપમાંથી રાહુલ વસાવા અને કોંગ્રેસમાંથી ગંભીર વસાવા સિવાય એક અપક્ષમાં પણ ફોર્મ ભરાયા છે. જ્યારે સાગબારાની ભાદોડ બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા, આપના ઉમેદવાર સંધ્યા વસાવા અને કોંગ્રેસના ઉમેદવાર સરલા વસાવા સહિત 2 અપક્ષ કુલ 5 ફોર્મ ભરાયા છે. ત્યારે ઝાંક તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં આપ ઉમેદવાર રાહુલ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ મહામંત્રીએ જીતનો દાવો કર્યો: ચૈતર વસાવાએ જણાવ્યું કે, ડેડીયાપાડા અને સાગબારાની જનતાએ વિધાનસભામાં અને લોકસભામાં અમારા પર ભરોસો મૂક્યો છે. એવી જ રીતે તાલુકા પંચાયતના ઝાંક ગામની પેટા ચૂંટણીમાં પણ અમારા પર ભરોસો મૂકશે, તેવો અમને પૂરો વિશ્વાસ છે. સાથે સાથે આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ડેડીયાપાડા, સાગબારા અને નર્મદા જિલ્લાની જનતા અમારા પર પૂરો ભરોસો મૂકશે. આ ઉપરાંત નર્મદાના ભાજપ જિલ્લા મહામંત્રીએ પણ જીતનો દાવો કર્યો હતો.
2 તાલુકા પંચાયત પર ત્રિપાંખિયો જંગ: ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે ડેડીયાપાડા, સાગબારા નાંદોદ અને ગરુડેશ્વર સહિત નર્મદા જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તેવો વિશ્વાસ છે. ત્યારે નર્મદામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં ભંગાણ થયાના અહેવાલ છે. જોકે હાલ તો આ માત્ર 2 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. જેમાં આપ, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય જીતના દાવા કરી રહ્યા છે.
આ પણ વાંચો: