સુરત: સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે આવેલી સૈનિક સ્કૂલમાં 150 જેટલા વિદ્યાર્થીઓને શરદી, ખાંસી, તાવના લક્ષણ દેખાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ કરાવ્યું હતું. 18 જેટલી વિદ્યાર્થિનીઓને માંગરોળના ઝંખવાવની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ધારાસભ્ય ગણપત વસાવાએ પણ સૈનિક સ્કૂલમાં જઈને નિરક્ષણ કર્યું.
સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ બીમાર પડ્યા
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે સૈનિક સ્કૂલ આવેલી છે. આ શાળામાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 631 બાળકો આવ્યા છે અને અભ્યાસ કરે છે. ત્યારે છેલ્લા બે દિવસથી અચાનક 150 જેટલા વિદ્યાર્થીઓને શરદી, ખાંસી, તાવ આવતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ પણ 18 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત ન સુધરતાં તેઓને માંગરોળની ઝંખવાવ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે આજરોજ સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ તેમજ, માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા સૈનિક શાળા ખાતે દોડી ગયા હતા. ધારાસભ્ય અને જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. સાથે જ શાળામાં રાખવામાં આવતી સાફ સફાઈ, કરિયાણાની ગુણવત્તા ચકાસણી તેમજ ભોજન વર્ગનું નિરીક્ષણ કર્યું હતું.
![સૈનિક સ્કૂલના બાળકો અચાનક બીમાર પડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/gj-surat-rural01-student-gj10065_09022025133755_0902f_1739088475_637.jpg)
વાડી સૈનિક સ્કૂલમાં 631 બાળકો અભ્યાસ કરે છે
આરોગ્ય અધિકારી અનિલ પટેલએ જણાવ્યું હતું કે, વાડી સૈનિક સ્કુલમાં 03 સ્કૂલો કાર્યરત છે. જેમાં ટોટલ 631 બાળકો છે, અમારી આરોગ્યની ટીમ 3 દિવસથી આવી રહી છે આજે ત્રીજો દિવસ છે અને તમામ બાળકોનું સ્ક્રીનીંગ અને સેમ્પટોમેટીક સ્ક્રીનીંગ થઇ ગયું છે. એમાંથી 18 બાળકોને ફીવર વિથ કોમન કોલ્ડ કહેવાય એવા બાળકો હતા અને તેમને CHC ઝંખવાવ ખાતે ગઈકાલે બતાવવામાં આવ્યા હતા. ત્યાં મેડીકલ ઓફિસરની ટીમ છે તેમણે બરોબર તપાસ કરી લીધી છે. જેમને લક્ષણો જતા રહ્યા છે એવા બાળકોને પાછા હોસ્ટેલ મોકલાવી દેવામાં આવ્યા હતા, 08 બાળકોને એડમિટ કરવામાં આવ્યા હતા. અન્ડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા હતા. એમાંથી બે વિદ્યાર્થીઓને વોમિટીંગ જેવું હતું અને બીજા 04ને ફીવર હતું હાલ બધા બાળકો સ્ટેબલ છે.
![સૈનિક સ્કૂલના બાળકો અચાનક બીમાર પડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/gj-surat-rural01-student-gj10065_09022025133755_0902f_1739088475_393.jpg)
બીમાર પડવાનું શું કારણ?
વધુમાં જણાવ્યું હતું કે, હાલ વાયરલ ફીવરના લીધે થયું હોય એવું લાગે છે. કારણ કે વાતાવરણ બદલાઈ રહ્યું છે. શિયાળામાંથી જે ઉનાળામાં પરિવર્તન થઇ રહ્યું છે. હાલ વિવિધ ટીમો દ્વારા સ્વચ્છતા બાબત અને ફૂડને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને ફૂડ સેમ્પલથી માંડીને બાળકો જે બિમાર છે તેમના બ્લડ સેમ્પલો પણ લેવામાં આવી રહ્યા છે. એમાં કોઈ ઈન્ફેક્શન બતાવતું નથી. એટલે વાયરલ ફીવરના લીધે બધાને આવું થયું હોય એવું લાગી રહ્યું છે.
![સૈનિક સ્કૂલના બાળકો અચાનક બીમાર પડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/gj-surat-rural01-student-gj10065_09022025133755_0902f_1739088475_1057.jpg)
આ પણ વાંચો: