મોસ્કો : છેલ્લા કેટલાક સમયથી US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠકને લઈને અટકળો ચાલી રહી છે. જોકે, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે તેઓ યુક્રેન યુદ્ધ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની કથિત વાતચીતની પુષ્ટિ અથવા ઇનકાર કરી શકતા નથી.
ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાતચીતની અટકળો : પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, વહીવટ બદલાવાને કારણે વોશિંગ્ટનમાં ઘણી વાતો થઈ રહી છે, પરંતુ તેમને વ્યક્તિગત રીતે આ ખાસ વાતચીતની કોઈ જાણકારી નથી. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે તેમણે પુતિન સાથે ફોન પર યુક્રેન યુદ્ધના ઉકેલ અંગે ચર્ચા કરી હતી. જોકે, આ વાતચીત ક્યારે અને કેટલી વખત થઈ તે તેમણે જણાવ્યું નથી.
જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આના પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, પુતિન પણ યુદ્ધ ખતમ કરવા માંગે છે. વ્હાઇટ હાઉસે આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
યુક્રેન અને રશિયા વચ્ચે સંઘર્ષ : યુક્રેન અને રશિયા વચ્ચે 2014થી સંઘર્ષ ચાલી રહ્યો છે, જ્યારે યુક્રેનની 'મેદાન ક્રાંતિ' બાદ રશિયા તરફી રાષ્ટ્રપતિને હટાવવામાં આવ્યા હતા. તે જ વર્ષે રશિયાએ ક્રિમીઆને જોડ્યું અને પૂર્વ યુક્રેનમાં રશિયન સમર્થિત અલગતાવાદીઓ અને યુક્રેનિયન સૈન્ય વચ્ચે લડાઈ તીવ્ર બની. વર્ષ 2022 માં પુતિને યુક્રેનમાં હજારો રશિયન સૈનિકો મોકલીને સંપૂર્ણ પાયે લશ્કરી કાર્યવાહી શરૂ કરી.
રશિયાએ દાવો કર્યો હતો કે, આ ઓપરેશનનો હેતુ યુક્રેનમાં રશિયન ભાષી લોકોની સુરક્ષા કરવાનો છે અને નાટોમાં યુક્રેનનું સંભવિત સભ્યપદ રશિયાની સુરક્ષા માટે ખતરો બની શકે છે. અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયાના આ પગલાને આક્રમક ગણાવ્યું અને કિવને સૈન્ય અને આર્થિક મદદ આપવાનું શરૂ કર્યું. હાલમાં યુક્રેનના મોટા ભાગ પર રશિયાનો કબજો છે, જે અમેરિકાના વર્જિનિયા રાજ્યની સમકક્ષ છે.
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા પ્રયાસ...
વર્ષ 1987માં પ્રકાશિત તેમના પુસ્તક "ધ આર્ટ ઓફ ધ ડીલ"માં રાષ્ટ્રપિત ટ્રમ્પે વાટાઘાટા દ્વારા જટિલ મુદ્દાઓને ઉકેલવા પર ભાર મૂક્યો હતો. સાથે જ ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર કહ્યું કે, જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તો તેઓ ઝડપથી યુક્રેન યુદ્ધનો અંત લાવશે. ગયા વર્ષે જૂનમાં પુતિને યુદ્ધ સમાપ્ત કરવા માટે તેની શરતો મૂકી હતી, જેમાં યુક્રેન નાટોમાં જોડાવાની તેની ઇચ્છા છોડી દે અને રશિયન હસ્તકના ચાર યુક્રેનિયન પ્રદેશોમાંથી તેના સૈનિકોને પાછી ખેંચી લે તેવી માંગણીનો સમાવેશ થાય છે. પરંતુ યુક્રેન અને પશ્ચિમી દેશોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પ સાથે શાંતિ સમજૂતી પર ચર્ચા કરવા માટે પુતિન તૈયાર છે, પરંતુ તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈ મોટી પ્રાદેશિક સમજૂતી માટે સહમત નહીં થાય. ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીને પણ મળી શકે છે અને યુદ્ધને સમાપ્ત કરવાના સંભવિત માર્ગો પર ચર્ચા કરી શકે છે. પુતિન સાથે તેમના હંમેશા સારા સંબંધો રહ્યા છે અને તેમની પાસે યુદ્ધ સમાપ્ત કરવા માટે નક્કર યોજના છે. જો કે, તેણે તેની યોજના વિશે વધુ વિગતો આપી ન હતી.