જુનાગઢ: જુનાગઢના નવાબ મોહબ્બત ખાન ત્રીજા શ્વાનોના પ્રેમી નવાબ તરીકે પણ જૂનાગઢના ઇતિહાસમાં આજે પણ એટલા જ પ્રચલિત છે. માણસો દ્વારા શ્વાનોને પાળવાનો શોખ પ્રાચીન કાળથી જોવા મળે છે. જુનાગઢના ત્રીજા નવાબ મહાબતખાન પૂર્વે તેમના પિતા અને જૂનાગઢના નવાબ રસુલ ખાન પણ શ્વાનોના પ્રેમી હતા. જેને કારણે જૂનાગઢના નવાબને શ્વાનોના પ્રેમી તરીકે આજે પણ ઓળખવામાં આવે છે.
જુનાગઢના નવાબ અને તેમનો શ્વાન પ્રેમ
જુનાગઢના નવાબ અને તેમનો શ્વાન પ્રેમ આજે પણ આટલો જ પ્રસ્તુત માનવામાં આવે છે. જૂનાગઢના ત્રીજા નવાબ મહોબત ખાનને શ્વાનોના ખૂબ શોખીન અને પ્રેમી માનવામાં આવતા હતા. જેનો વારસો તેમને તેમના પિતા અને જૂનાગઢના પૂર્વ નવાબ રસુલ ખાન દ્વારા મળ્યો હતો. નવાબના રાજમહેલમાં શ્વાનો પાળવાને લઈને એક રોચક ઇતિહાસ જૂનાગઢ સાથે સંકળાયેલી ઐતિહાસિક ઘટનાઓમાં જોવા મળે છે. વર્ષ 1897 માં ભારતમાં કેનલ ક્લબ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. જેમાં 500 ભરીને આજીવન સભ્ય જૂનાગઢના નવાબ મહોબત ખાન ત્રીજા બન્યા હતા. આ કેનાલ ક્લબ લંડન સાથે જોડાયેલી હતી. જેની ભારતની ઓફિસીસ દિલ્હી અને શિમલામાં હતી. કેનલ ક્લબ દ્વારા ઇન્ડિયન કેનલ ક્લબ ગેજેટ દર મહિનામાં એક વખત પ્રસિદ્ધ થતું હતું. તેમાં પણ જૂનાગઢના ત્રીજા નવાબ મહોબત ખાનના શ્વાન પ્રેમને લઈને વિગતો અનેકવાર પ્રગટ થઈ હતી.
નવાબ મહોબત શ્વાનોના અતિ અભ્યાસુ
જૂનાગઢના ત્રીજા નવાબ મહોબત ખાનને શ્વાનોના અતિ અભ્યાસુ પણ માનવામાં આવતા હતા. તેઓ શ્વાનોની દરેક જાત અને તેનો સ્વભાવ આરોગ્ય અને માદા શ્વાનને કેટલા ગલુડિયા આવશે તે સચોટ રીતે કહી શકતા હોવાનું પણ જૂનાગઢના ઇતિહાસ સાથે જોડાયેલા પુસ્તકોમાં આજે પણ નોંધવામાં આવે છે. 24/10/ 1947 મહોબત ખાનગી ત્રીજા પાકિસ્તાન ચાલ્યા ગયા ત્યારે તેમનો શ્વાનો પાછળનો મહિનાનો ખર્ચ 8000 રૂપિયા હતો, તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
![નવાબના બેગમ પણ કુતરાના હતા પ્રેમી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-03-dog-vis-01-byte-01-pkg-7200745_10022025151704_1002f_1739180824_439.jpg)
નવાબના બેગમ પણ કુતરાના હતા પ્રેમી
જેમ જૂનાગઢના ત્રીજા નવાબ મહોબત ખાન શ્વાનોના ખૂબ પ્રેમી માનવામાં આવતા હતા. તેવી જ રીતે તેમના બેગમ પણ શ્વાનોના ખૂબ પ્રેમી હોવાનું નોંધવામાં આવ્યું છે. નવાબના સમયમાં તેમના પાળેલા પ્રત્યેક શ્વાનોના ગળામાં ચાંદીની પટ્ટીમાં તેમનું નામ કોતરાવીને પહેરાવવામાં આવતું હતું. નવાબના સમયમાં તેમના દ્વારા પાળવામાં આવેલા શ્વાનોના કેટલાક નામો પણ રાખવામાં આવ્યા હતા. જે મુજબ ફાલ્કોન, ટરકીન, જમ્પિં, નાન્સી, જેલર, મોડેલ, લવલી, લીલી, લાન્સર રુબી આ પ્રકારે નામ વાળા 25 જેટલા શ્વાનો જુનાગઢના નવાબ મહોબત ખાનના રાજમહેલમાં જોવા મળતા હતા. એક ઇતિહાસ મુજબ જૂનાગઢના નવાબ પાસે દેશ-વિદેશના 250 જેટલા શ્વાનો હતા.
![નવાબ પાસે 300 જેટલા ડૉગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-03-dog-vis-01-byte-01-pkg-7200745_10022025151704_1002f_1739180824_719.jpg)
કેનલ હાઉસમાં વિશ્વના પ્રસિદ્ધ 300 જેટલા શ્વાનો
નવાબ મહોબત ખાનના સમયમાં કેનલ હાઉસમાં વિશ્વના સૌથી સારી જાતોના 300 જેટલા શ્વાનો રાખવામાં આવ્યા હતા. તેને મુંબઈ, વડોદરા, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, લીવરપુલ, મસૂરી, પેશાવર, નવશેરા, શિમલા, બલુચિસ્તાનથી મંગાવ્યા હોવાની વિગતો પણ નોંધવામાં આવી છે. જે પૈકીના ઘણા ખરાને એરોપ્લેન અને સ્ટીમરની મદદથી જુનાગઢ મોકલવામાં આવ્યા હતા. નવાબ મોહબત ખાને રાજકોટમાંથી પારસીબાઈ પાસેથી રૂપિયા 10,000 માં એક માદા શ્વાનની ખરીદી પણ કરી હતી. જેનો જે તે સમયે ખૂબ વિરોધ પણ થયો હતો. નવાબના કેનલ પેલેસમાં શાહી ઠાઠથી તમામ શ્વાનોને રાખવામાં આવતા હતા. જેમાં પ્રત્યેક શ્વાનો માટે પલંગ, ગાદી, પાંજરા અને અમુક ખૂબ જ માનીતા શ્વાનો માટે સોના અને હીરા જડિત હાર પણ પહેરાવવામાં આવતા હતા. ચાંદીના વાસણોમાં શ્વાનોને ભોજન અપાતું હતું. જે વાસણો પર કેનલ ડિપાર્ટમેન્ટનું નામ પણ લખવામાં આવતું હતું. જુનાગઢના નવાફ પ્રત્યેક શ્વાનોનું નામ, જાત, જન્મ તારીખ, કલર બતાવે તે પ્રકારના પત્રકો પણ સ્વયં બનાવતા હતા. વધુમાં મહોબત ખાન દ્વારા શ્વાનોની વંશાવલીનું એક રજીસ્ટર પણ નિભાવવામાં આવતું હતું, જ્યારે ત્રીજા નવાબ મહોબ્બત ખાને જુનાગઢ છોડ્યું ત્યારે તેમની પાસે 295 જેટલા શ્વાનો જુનાગઢ મુકતા ગયા હતા. જે ભારત સરકારને પ્રાપ્ત થતા આ શ્વાનોની જાહેર હરાજી કરવામાં આવેલી અને 67 શ્વાનો વેચાતા તેમાંથી ભારત સરકારને 17,215 રૂપિયાની આવક થઈ હતી. આ સિવાય વધેલા તમામ શ્વાનોને જૂનાગઢની બજારમાં છૂટા મૂકી દેવામાં આવ્યા હતા.
![જુનાગઢના નવાબનો શ્વાન પ્રેમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-03-dog-vis-01-byte-01-pkg-7200745_10022025151704_1002f_1739180824_227.jpg)
![કારમાં ડૉગ સાથે નવાબ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-03-dog-vis-01-byte-01-pkg-7200745_10022025151704_1002f_1739180824_533.jpg)