આંધ્ર પ્રદેશ : તિરુપતિ લાડુ વિવાદના કેસમાં CBI ટીમને સફળતા મળી છે. આ મામલે SIT દ્વારા ચાર લોકોની ધરપકડ કરાઈ છે. નોંધનીય છે કે, તિરુપતિ લાડુ વિવાદ પર દેશવ્યાપી ખળભળાટ બાદ સુપ્રીમ કોર્ટના આદેશ પર CBI ડાયરેક્ટરની દેખરેખ હેઠળ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
તિરુપતિ લાડુ કેસ મામલે ચાર આરોપી ઝડપાયા : શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતા પ્રખ્યાત તિરુપતિ લાડુમાં કથિત ભેળસેળના સંબંધમાં CBI આગેવાની હેઠળની SIT દ્વારા ચાર લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ભોલે બાબા ડેરીના ભૂતપૂર્વ ડિરેક્ટર વિપિન જૈન અને પોમિલ જૈન, વૈષ્ણવી ડેરીના અપૂર્વ ચાવડા અને એઆર ડેરીના રાજુ રાજશેખરન તરીકે કરવામાં આવી છે.
બે મોટી ડેરીઓના અધિકારીઓ પર આરોપ : સૂત્રોના જણાવ્યા પ્રમાણે SITની તપાસમાં ઘી સપ્લાયના દરેક તબક્કે ગંભીર ઉલ્લંઘનો સામે આવ્યા છે. જેના કારણે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે વૈષ્ણવી ડેરીના અધિકારીઓએ મંદિરમાં ઘી સપ્લાય કરવા માટે એઆર ડેરીના નામે ટેન્ડર મેળવ્યા હતા અને ટેન્ડર પ્રક્રિયામાં છેડછાડ કરવા માટે નકલી રેકોર્ડ બનાવવામાં પણ સામેલ હતા.
Tirupati Laddu Prasadam row | The CBI investigation team has arrested four individuals in connection with the case. The arrested persons include individuals from organizations supplying ghee, including AR Dairy (Tamil Nadu), Parag Dairy (Uttar Pradesh), Premier Agri Foods, and…
— ANI (@ANI) February 10, 2025
સૂત્રોએ જણાવ્યું કે SITએ ખુલાસો કર્યો કે વૈષ્ણવી ડેરીએ ખોટો દાવો કર્યો હતો કે તેણે ભોલે બાબા ડેરીમાંથી ઘી મેળવ્યું હતું, જ્યારે અધિકારીઓએ શોધી કાઢ્યું હતું કે ડેરી પાસે મંદિર બોર્ડ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની માંગને પહોંચી વળવાની ક્ષમતા નથી.
તિરુપતિ લાડુ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ : ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી અને રાજ્યસભા સાંસદ વાયવી સુબ્બા રેડ્ડી અને અન્યોની અરજી સાંભળ્યા પછી સર્વોચ્ચ અદાલતે 4 ઓક્ટોબરના રોજના તેના આદેશમાં કહ્યું હતું કે લાડુ બનાવવામાં પ્રાણીઓની ચરબીના ઉપયોગના આરોપની તપાસ SIT કરશે. CBI ડાયરેક્ટર દ્વારા આની દેખરેખ રાખવામાં આવશે.
CBI આગેવાની હેઠળની SIT રચના : ગયા વર્ષે નવેમ્બરમાં તિરુપતિના લાડુ બનાવવામાં પ્રાણીઓની ચરબીના ઉપયોગના આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટના આદેશ પર CBI દ્વારા પાંચ સભ્યોની SIT ની રચના કરી હતી. આ ટીમમાં બે CBI અધિકારી, આંધ્રપ્રદેશ પોલીસના બે અધિકારીઓ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના એક અધિકારીનો સમાવેશ થાય છે.
એન. ચંદ્રબાબુ નાયડુનો દાવો : આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ સપ્ટેમ્બરમાં દાવો કર્યો હતો કે, રાજ્યમાં અગાઉની YSRCP જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી સરકારે શ્રી વેંકટેશ્વર મંદિરને પણ છોડ્યું ન હતું. તિરુપતિ લાડુ બનાવવા માટે હલકી ગુણવત્તાવાળા ઘટકો અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આરોપોએ દેશભરમાં ભારે વિવાદ સર્જ્યો હતો.