નર્મદા: આજે 31 ડિસેમ્બર એટલે અંગ્રેજી મહિનાનો છેલ્લો દિવસ, 2024ના વર્ષને વિદાય આપવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયાના લોકો આજે નવા વર્ષની ઉજવણી કરવા વિવિધ સ્થળો પર જતા હોય છે, અને પોતાની રીતે નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, ત્યારે હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી પડ્યા છે.
આજે વર્ષ 2024નો અંતિમ દિવસ છે અને આવતી કાલે 2025ના નવા વર્ષની શરૂઆત થશે. 31 ડીસેમ્બરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ સજ્જ છે. SOUની બાજુમાં પાર્કિંગ એરિયામાં બસોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ બસોમાં બેસવા પડાપડી કરતા પણ જોવા મળ્યાં હતાં. ત્યારે ઈ-રિક્ષાઓએ પણ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે.
જોકે પ્રવાસીઓને કોઈ તકલીફના પડે તે માટે SOU ઓથોરિટી દ્વારા પૂરતા પ્રયાસો હાલ થઈ રહ્યા છે, તેમ છતાં બસમાં બેસવા માટે પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. બસમાં બેસવા માટે ભારે ભીડ પણ જોવા મળી રહી છે, આમ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે પ્રવાસીઓ સ્ટેચ્યુ ખાતે ફરવાની મોજ માણતા જોવા મળી રહ્યાં છે.
ખાસ કરીને કેટલાંક મહારાષ્ટ્રના પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પોતાનો મરાઠી પહેરવેશ સાથે આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અદભુત છે, અહીં એકવાર આવીએ તો વારંવાર આવવાનું મન થાય છે.
આજે દેશભરમાંથી હજારો પ્રવાસીઓ વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે. યુવાધનમાં ખાસ નવા વર્ષની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે.
મહત્વપૂર્ણ છે કે, 25 ડીસેમ્બર થી 31 ડીસેમ્બર સુધીમાં ઓનલાઈનના આંકડા જોઈએ તો આ પાંચ દિવસ માં 2.21 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચુક્યા છે. જ્યારે આજે એકજ દિવસ માં 70 હજાર જેટલા પ્રવાસીઓ આવ્યા છે જેને લઈ સરકારી એસટી બસો પણ મુકવામાં આવી છે.