આચારસંહિતા વચ્ચે ભુજના જાહેર માર્ગો પર લાગ્યા વિશિષ્ટ પ્રકારના બેનરો - Lok Sabha Election 2024
Published : Apr 4, 2024, 1:53 PM IST
કચ્છ: 16 માર્ચના બપોરે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવીને લોકસભા ચૂંટણીની જાહેરાત કરતા જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. તે અગાઉ રાજકીય પક્ષોએ કરેલા પ્રચાર પ્રસારના બેનર, ભીંત ચિત્રો વગેરે ઉતારી લેવાના લેવાયા છે. પરંતુ ભુજમાં મુખ્ય માર્ગો પર એક વિશિષ્ટ પ્રકારના બેનર લાગ્યા છે જે સીધો જ કોઈ રાજકીય પક્ષના પ્રચાર તરફ નિર્દેશ કરી રહ્યા છે. ભુજના વિવિધ જાહેર માર્ગો પર આ રીતના બ્લેક કલરના બેકગ્રાઉન્ડ પર 'અબકી બાર... બાદ પ્રશ્નાર્થચિન્હ મૂકીને મતદારોને સીધો સંદેશ ગર્ભિત રીતે જણાવવામાં આવ્યો છે. જોકે ન કોઈ કલર ચિન્હ,ન કોઈપણ નેતાનો ફોટોગ્રાફ કે પક્ષનું નિશાન હોવાથી આદર્શ આચાર સંહિતાના નિયમ મુજબ રાજકીય પક્ષનો પ્રચાર ન કહી શકાય. નાયબ ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈએ ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ પોસ્ટમાં કોઈ પક્ષનું નિશાન, ઉમેદવારનો ફોટો કે અન્ય કોઈ રીતે પ્રચાર કરવામાં નથી આવી રહ્યો માટે આચારસંહિતાનો ભંગ ન કહેવાય અને અમારી ટીમ આ બધી ગતિવિધિ પર નજર રાખી રહી છે. જો કોઈ ફરિયાદ આવે તો તે અંગે તપાસ કરવામાં આવશે.