ભુજનું હમીરસર તળાવ છલકાતા લોકોને હાલાકી, તળાવનું પાણી ઘરોમાં ઘૂસ્યું - kutch rainfall update - KUTCH RAINFALL UPDATE
Published : Aug 29, 2024, 5:17 PM IST
કચ્છ: હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ છલકાયું છે પરંતુ સાથે સાથે બીજી તરફ હમીરસર તળાવના પાણીથી સમસ્યાઓ પણ ઊભી થઈ છે. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર એક અને બે એવા વિસ્તારો અમનનગર વિસ્તાર, ભારત નગર, ગાંધી નગરી, શાંતિ નગર, આશાપુરા નગર, ફિરદોશ કોલોની, અપના નગર જેવા વિસ્તારોમાં ભારે પાણી વહી નીકળ્યાં છે. લોકોના ઘરમાં પાણી ઘુસતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગત રાત્રિથી જ આ વિસ્તારમાં પાણી ભરાવવાનું શરુ થઇ ગયું હતું અને લોકોના જનજીવન પર પણ અસર પહોંચી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ઓગનના પાણી દર વખતે છોડવામાં આવે છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાય છે. ભુજ નગરપાલિકાની પ્રિ મોન્સુન કામગીરી નિષ્ફળ ગઈ હોવાની વાત પણ ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કાસમ સમાંએ કરી હતી. તો સ્થાનિક રહેવાસી એ પણ જણાવ્યું હતું કે આખી રાત પાણી આ વિસ્તારમાં ભરાયું છે.