પાટણ:શહેર અને આસપાસના વિસ્તારો તથા બનાસકાંઠા જિલ્લામાં પોતાની સેવાઓની સુવાસ ફેલાવનારી 1986 માં સ્થપાયેલી 38 વર્ષ જૂની પાટણની રોટરી ક્લબ દ્વારા સંચાલિત એસ.કે બ્લડ બેન્ક કે જે એક સમયની એકમાત્ર સરકાર માન્ય અને સમગ્ર ગુજરાતમાં પાંચમા ક્રમની બ્લડ બેન્કનો એવોર્ડ મેળવી ચૂકેલી એસ.કે બ્લડ બેન્ક ને આખરે તાળા મારવામાં આવ્યા છે. જેને કારણે કરોડો રૂપિયાના ખર્ચે લાવવામાં આવેલી ખાસ રક્તદાન માટેની ટેકનોલોજી ધરાવતી વાન ધૂળ ખાઈ રહી છે.
આ બ્લડ બેન્ક બંધ કરતા પહેલા તેના સંચાલક મંડળ અને સભ્યોએ એક મિટિંગમાં ઠરાવ પણ કર્યો હતો અને તે પછી આ બેંકની તમામ કામગીરી જેમાં દાન મેળવાયેલ બ્લડ યુનિટનું પ્રોસેસિંગ કરીને તેમાંથી પ્લાઝમા સહિતના જરૂરી તત્વોને છૂટા પાડવા સહિત રક્તદાન કેમ્પો યોજવાની તમામ કામગીરીને બંધ કરવામાં આવી હોવાથી કરોડો રૂપિયાની મશીનરી અને સંસ્થાનું બિલ્ડીંગ તથા સામગ્રી એક મહિનાથી ધૂળ ખાઈ રહી છે. ખેતર વસ્તી ખેતર વસી વિસ્તારમાં કાર્યરત એસ.કે બ્લડ બેન્કમાંથી જરૂરિયાત મંદ દર્દીઓને રાહત દરે બ્લડ યુનિટ આપવામાં આવતું હતું ત્યારે હવે આ બ્લડ બેન્ક બંધ થવાથી ગરીબ અને જરૂરિયાત મંદ દર્દીઓને ખાનગી બ્લડ બેંકો માંથી ઊંચા દરે બ્લડ લેવાની ફરજ પડશે.