વલસાડ :લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. ત્યારે વલસાડ - ડાંગ બેઠક ઉપર કોણ ઉમેદવાર આવશે તે અંગે હજુ પણ અવઢવની સ્થિતિ છે. જોકે સંભવિત ઉમેદવાર માટે હાલમાં ત્રણ જેટલા નામો ભારે ચર્ચામાં છે અને આ ત્રણેય ઉમેદવાર પાસે કયું ફેક્ટર કામ કરશે અને કોની ભલામણ કામ કરશે તે હાલ ચર્ચાનો વિષય છે. સાથે જ લોકો પોતાની ગણતરી પણ માંડી રહ્યા છે પણ દરેકના મુખે એક જ સવાલ છે કે વલસાડ ડાંગ બેઠક ઉપર ઉમેદવાર કોણ આવશે.
ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદીમાં વલસાડ બાકાત : લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદીનું લિસ્ટ ભાજપે જાહેર કર્યું છે જેમાં અનેક ઉમેદવારોના નામ જાહેર થયા છે. જોકે જાહેર થયેલા નામોમાં વલસાડ ડાંગ બેઠકની બાદબાકી કરવામાં આવી છે. એટલે કે હજુ સુધી આ બેઠક ઉપર નામ જાહેર કરાયું નથી. જોકે પ્રથમ યાદી જ્યારે જાહેર થઈ ત્યારે તમામ લોકો બહુ મોટી આશા રાખીને બેઠા હતા. કે વલસાડ ડાંગ બેઠકનું નામ જાહેર થશે. પરંતુ આ પ્રથમ યાદીમાં નામ જાહેર થયું નથી ત્યારે હવે કોનું નામ આવશે તે માટે રાજકારણ ગરમાયું છે.
વલસાડ ડાંગ બેઠક માટે હાલ આ નામો હોટ ફેવરિટ : 126 વલસાડ ડાંગ બેઠક માટે ચાર જેટલા નામો સંભવિત ઉમેદવારોમાં ચર્ચા રહ્યા છે જેમાં કેટલાક ઉમેદવારો માટે ઉચ્ચકક્ષાએ ભલામણ પણ કરાઈ હોવાની વાતો ભાજપના કાર્યકર્તાઓમાં પણ સાંભળવા મળી રહી છે.
આ ચાર નામોની વાત કરીએ તો પ્રથમ નામ આરએસએસમાં વર્ષોથી કામ કરતા અને છેક સરપંચથી લઈ હાલમાં લોકસભા ચૂંટણી માટે સંયોજકની ભૂમિકાની જેને જવાબદારી આપવામાં આવી છે એવા ગણેશભાઈ બીરારીનું નામ ચર્ચામાં છે.
બીજી તરફ નાણામંત્રી કનુભાઈ દેસાઈના ખાસ ગણવામાં આવતા અને જેમના પિતા બે ટર્મ ભાજપના સાંસદ રહી ચૂક્યા છે એવા સ્વર્ગીય મણીભાઈ ચૌધરીના પુત્ર મહેન્દ્ર ચૌધરીનું નામ દ્વિતીય ક્રમે છે. જ્યારે આ બંને ઉમેદવારો કુકણા સમાજમાંથી આવે છે તો વલસાડ જિલ્લામાં સૌથી વધુ મતદારો ધોડિયા પટેલ સમાજના છે ત્યારે અત્યાર સુધીનો ઇતિહાસ છે કે વલસાડમાં ઉમેદવાર ધોડિયા પટેલનો જ નક્કી થાય છે.
તો ત્રીજા નંબરે રાજ્યસભામાં દંડક રહી ચૂકેલા અને વર્તમાન સાંસદના વહુ ઉષાબેન પટેલનું નામ ચર્ચામાં છે. જોકે એવું કહેવાય છે કે તેમની ભલામણ ખુદ સી આર પાટીલ દ્વારા પણ કરવામાં આવી છે. જ્યારે ચોથા નંબર ઉપર ડોક્ટર હેમંત પટેલનું નામ ચર્ચામાં છે.
નવા ઉમેદવાર તરીકે પાંચ મહિલાઓને સ્થાન મળે એવી શક્યતાઓ : સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે એવી અટકણો શરૂ થઈ છે. ત્યારે લોકસભાની ચૂંટણીના ઉમેદવાર માટે સમગ્ર ગુજરાતમાં 126 બેઠકો ઉપર પાંચ બેઠકો ઉપર નવા મહિલા ઉમેદવારોને ભાજપ ઉતારશે એવી ચર્ચાઓ આંતરિક રીતે સાંભળવા મળી રહી છે. વલસાડ બેઠક ઉપર પણ ઉષાબેનનું નામ ચર્ચામાં છે તો બની શકે કે ભાજપ ઉષાબેનને ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે.
126 વલસાડ બેઠક અનુસૂચિત જનજાતિ બેઠક : 126 લોકસભા વલસાડ ડાંગ બેઠક અનુસૂચિત જનજાતિની બેઠક છે. એટલે કે આ બેઠક ઉપર અનુસૂચિત જનજાતિના લોકોને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ભાજપ ઉતારશે. જોકે આ માટે વલસાડ ડાંગ બેઠકમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ 3,15,000 જેટલા માત્ર ધોડિયા પટેલ સમાજના વોટ છે. જેથી વિજયનો દારોમદાર આ સમાજ ઉપર રહેલો છે અને જો ઉમેદવાર ધોડિયા પટેલ સમાજમાંથી આવે તો ભાજપને જીત માટે ખૂબ આસાની થઈ પડે એમ છે. તેથી કુકણા પટેલ સમાજમાંથી આવતા ઉમેદવારોને ભાજપ ટિકિટ આપે એવી શક્યતાઓ હાલ તો મહદ અંશે ઓછી જણાય છે. પરંતુ નાણામંત્રી કનુભાઈ દેસાઈના ખાસ માનવામાં આવતા અને કુકણા સમાજમાંથી આવતા મહેન્દ્ર ચૌધરીની ભલામણ જો કનુભાઈ દ્વારા કરવામાં આવી હોય તો એ પણ શક્યતા નકારી શકાય નહીં કે ભાજપ આ વખતે કુકણા સમાજને ઉમેદવારી આપે.
" ભાજપનું મોવડી મંડળ એવી કોઈ બેઠકો ઉપર કોઈ નવા ઉમેદવારોને નહીં ઉતારે જ્યાં તેમને નુકસાન થઈ શકે. જ્યાં પણ કોઈ સેફ બેઠક હશે એવી બેઠકો પર શિક્ષિત અને નવયુવાન ઉમેદવાર ઉતારવાની નરેન્દ્ર મોદીની તૈયારી છે. એટલે કે વલસાડ ડાંગ બેઠક ઉપર પણ કોઈ નવા ઉમેદવારનો ચહેરો સામે આવી શકે છે. એ પણ ધોડિયા પટેલ સમાજમાંથી હોઈ શકે. કારણ કે અહીં ધોડિયા પટેલ સમાજની મતદારોની સંખ્યા વધુ છે. જેથી સંભવિત ઉમેદવારમાં ઉષાબેન પટેલ અથવા તો ડોક્ટર હેમંત પટેલને ઉમેદવાર જાહેર કરી શકે તેવી શક્યતાઓ છે...ઉત્પલભાઈ દેસાઈ ( રાજકીય નિષ્ણાત )
રાજકીય જાણકારોમાં અનુમાનો : હાલ તો ભાજપ કોને ટિકિટ આપશે તે અંગે હજુ સુધી કોઈ યાદી જાહેર કરાઈ નથી કે વલસાડ ડાંગ બેઠકના નામ જાહેર થયા નથી. ત્યારે રાજકીય આગેવાનો અને જાણકારોમાં માત્ર કોણ કોની ભલામણ કરશે અને કોની ભલામણ દિલ્હી સુધી ચાલશે અને કોનું નામ જાહેર થશે એ તમામ પ્રકારના પ્રશ્નો અંગે વિવિધ સ્થળે ચર્ચાઓ અને પ્રશ્નો થઈ રહ્યા છે. ત્યારે હવે ભાજપ કોનું નામ જાહેર કરશે એ તો આવનારો સમય બતાવશે, પરંતુ હાલ તો આ ચાર સંભવિત નામો વલસાડ ડાંગ બેઠક ઉપર ચર્ચાનો વિષય છે. આમ વલસાડ ડાંગ બેઠક ઉપર ચાર જેટલા ઉમેદવારો સંભવિત ચર્ચામાં હોવાનું હાલ તો જણાઈ આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોને ઉમેદવારી આપશે તે તો આગામી સમય જ બતાવશે.
- કપરાડામાં મતદાર જાગૃતિ માટે ધોડિયા અને કુકણા બોલીમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકાયા
- આદિવાસી સમાજની ધોડિયા બોલી સાચવવા માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું