અમદાવાદ: એક એવા ડૉક્ટર જેને જોઈને બાળકો ખળખળાટ હસવા માંડે છે. આ છે બાળકોના ડૉક્ટર ઇમરાન પટેલ, જે સોશિયલ મીડિયા પર મિલિયનમાં ફોલોવર ધરાવે છે અને ખૂબ જ વાયરલ છે. બાળકોને ઇન્જેક્શન લગાવવાની તેમની કળાથી તેઓ લાખો લોકોમાં લોકપ્રિય થઈ ગયા છે. ડૉક્ટર ઇમરાન પટેલ કેવી રીતે બન્યા બાળકોના ફેવરિટ ડૉક્ટર ? એવી કઈ ટ્રીક છે કે જેનાથી બાળકો ઇન્જેક્શન લગાવવાથી ડરતા નથી ? ચાલો જાણીએ.
Etv Bharat સાથે વાતચીત કરતા ડૉક્ટર ઇમરાન પટેલે જણાવ્યું હતું કે, "માંગરોલ મારું વતન છે અને મારો જન્મ વેરાવળ ગામમાં થયો હતો. મારો પરિવાર ભાડાના મકાનમાં રહેતો, તે સમયે અમારી પરિસ્થિતિ સારી ન હતી. બાળપણથી મારા નાના ભાઈને cardiac disease હતી. જેથી ભાઈનો ઈલાજ કરનારા ડૉક્ટરથી હું ઘણો ઈમ્પ્રેસ થઈ ગયો હતો અને બાળપણમાં જ ડૉક્ટર બનવાનો નિર્ણય કરી લીધો હતો."
MBBS પછી પીડીયાટ્રીકમાં પીજી કરી: પોતાના શિક્ષણ વિશે વાત કરતા ડૉક્ટર ઇમરાન પટેલે જણાવ્યું કે, "હું એક નાનકડા ગામ વેરાવળમાંથી નીકળીને મેડિકલ કોલેજ સુધી પહોંચ્યો. આ રસ્તો મારા માટે સરળ ન હતો, પરંતુ મારો નિર્ણય મક્કમ હતો. મેં MBBS માટે તૈયારી કરી, સખત મહેનત કરી અને MBBS પછી પીડીયાટ્રીકમાં પીજી કરી. હાલ બાળકોના ફેવરિટ ડૉક્ટર બની ગયો છું."
આજે ડૉક્ટર ઇમરાન પટેલે એક નાનકડા ગામમાંથી નીકળીને લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી છે. ઘણીવાર નાના બાળકો ડૉક્ટરનું નામ સાંભળતા જ ડરી જાય છે અને ડૉક્ટર પાસે જઈને ઇન્જેક્શન લેવા પહેલા ભાગી જાય છે. પરંતુ અમદાવાદ સ્થિત ડૉ. ઈમરાન પટેલે પોતાની આગવી સ્ટાઈલથી બાળકો અને તેમના માતા-પિતાના દિલ જીતી લીધા છે.
ડૉક્ટર ઈમરાન પટેલ, બાળકોના પ્રિય બાળરોગ નિષ્ણાત ડૉક્ટર છે. વાસ્તવમાં, ઇમરાન પટેલ અમદાવાદની એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળરોગના ડૉક્ટર છે અને તેઓ બાળકો સાથે બાળકોની જેમ જ સારવાર કરે છે. તે હસતા હસતા બાળકોને ઇન્જેક્શન આપવામાં ઘણો આનંદ લે છે. તેમની સ્ટાઈલને કારણે તેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
હું બાળકોને હસાવવાનો પ્રયત્ન કરું છું: સોશિયલ મીડિયા વિશે ડૉ. ઈમરાન પટેલે જણાવ્યું હતું કે, 'હું બાળકોની સાયકોલોજી મુજબ સારવાર કરું છું. જ્યારે બાળક રડે છે ત્યારે તે વ્યવસ્થિત રીતે તપાસવા દેતા નથી. પછી હું તેમને હસાવવાનો પ્રયત્ન કરું છું અને તેમની સાથે રમું છું. બાળકોની સાથે બાળક બનીને વાતો વાતચીત કરું છું. પોયમ, ડાન્સ કે સોંગ્સથી પહેલા તેમને ફ્રેન્ડલી અનુભવ કરાવું છું. જ્યારે તેઓ ફ્રેન્ડલી અને કમ્ફર્ટેબલ ઝોનમાં આવે છે, ત્યારે હું હસીને તેમને ઈન્જેક્શન આપું છું અને બાળકને ખબર પણ નથી પડતી કે તેને ઇન્જેક્શન લાગી ગયું છે. મારી આ જ સ્ટાઈલ જોઈને બાળકોના માતા-પિતા પણ ખુશ છે અને વધુ બાળકો મારી પાસે આવવાનો પ્રયાસ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આ સિવાય દરેક વર્ગ અને દરેક ધર્મના બાળકો મારી પાસે સારવાર માટે આવે છે. જેઓ ગરીબ છે, અપંગ છે, અનાથ છે કે જેમની પાસે પૈસા નથી તેમની સારવાર હું મફતમાં કરું છું. તેમની પાસેથી એક પણ રૂપિયો લેતો નથી. તેવી જ રીતે, અમે માનવીય ધોરણો જાળવીને સેવાઓ પ્રદાન કરીએ છીએ."
નોંધનીય છે કે ડૉ. ઈમરાન પટેલ મૂળ જૂનાગઢના માંગરોળના વતની છે. તેમણે પોતાનું શિક્ષણ મુંબઈથી પૂરું કર્યું છે. ત્યારબાદ તેઓ ગુજરાત પરત ફર્યા. તેઓ 2013 થી બાળરોગ નિષ્ણાત તરીકે કામ કરે છે. ડૉ. ઈમરાન પટેલ અમદાવાદની પ્રખ્યાત VS હોસ્પિટલ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ, વસ્ત્રાલમાં સેવા આપી રહ્યા છે.
ડૉક્ટર ઇમરાન પટેલે કહ્યું કે, "છેલ્લા બે વર્ષથી મેં વીડિયો બનાવવાનું શરૂ કર્યું છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. મને ગર્વ થાય છે કે લોકો મારા કામની પ્રશંસા કરી રહ્યા છે અને મારું કામ લાખો લોકો જોઈ રહ્યા છે."
તેમણે ઉમેર્યું કે, "વીડિયો વાયરલ થયા બાદ મારી જવાબદારી વધી ગઈ છે. લોકોની અપેક્ષા વધી છે. આ વીડિયો વાયરલ થયા બાદ હકારાત્મક વિચારસરણીનો ઉછાળો આવ્યો છે. જેના પર હું અને મારો તમામ સ્ટાફ ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યો છું. આ બધુ પૈસા માટે નથી પરંતુ તે બધા દર્દીઓની પ્રાર્થના અને પ્રેમ વિશે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉક્ટર ઇમરાન પટેલના ઇન્સ્ટાગ્રામ (instagram) એકાઉન્ટ પર 8.2 મિલિયન ફોલોવર્સ છે અને તેમની વિડિયો પર લાઈક (like) અને વ્યુસ (views) મિલિયનમાં આવે છે.
આ પણ વાંચો: