તાપી : નિઝર તાલુકામાં એક યુવતીનો ફોન નંબર માંગવાની ઘટના યુવક માટે જીવલેણ સાબિત થઈ છે. વેલદા ગામના 23 વર્ષીય અનિલ પાડવીને કેટલાક લોકોએ માર મારવામાં આવ્યો હતો. જેનું કારણ એક યુવતી પાસે નંબર માંગવો હતો. જોકે, ઈજાગ્રસ્ત યુવકનું મોત નીપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
છોકરીનો નંબર માંગતા મામલો બિચક્યો : આ અંગે મળતી માહિતી અનુસાર 17 જાન્યુઆરી, શુક્રવારે નિઝરના આમરવા પ્લોટ ખાતે ગામ દિવાળી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વેલદા ગામના અનિલ પાડવી નામના યુવકે છોકરી પાસે નંબર માંગ્યો હતો. આ દરમિયાન છોકરીના પિતા તેની બાજુમાં હતા. આથી યુવતીના પિતા અને તેના અન્ય બે મિત્રોએ નંબર માંગતા યુવકને મૂઢ માર માર્યો હતો.
ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત : શુક્રવાર રાત્રીના 11:30 કલાકે આ ઘટના બની હતી. ગંભીર ઈજાઓ થતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરતા સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતા તાત્કાલિક કાર્યવાહી કરી નિઝર પોલીસ દ્વારા ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
યુવતીના પિતા સહિત ત્રણની ધરપકડ : પોલીસ તપાસમાં બહાર આવ્યું કે યુવતીનું નામ અને ફોન નંબર માંગવાના કારણે યુવતીના પિતા સુનીલ પાડવી અને અન્ય બે શખ્સો અનિલ પાડવી અને વિલાસ વસાવાએ સાથે મળીને યુવકને માર માર્યો હતો. આથી યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. નિઝર પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટના રોમિયોગીરી કરતા યુવકો માટે લાલ બત્તી સમાન સાબિત થઈ છે.
રોમિયોગીરી કરતા યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો : સમગ્ર ઘટનાને લઈ નિઝર વિભાગના DySP ઈશ્વર પરમારે જણાવ્યું કે, નિઝરના આમરા ફળિયામાં ચાલતા સ્થાનિક ઉત્સવમાં મૃતક 23 વર્ષિય અનિલ પાડવી એક છોકરીનું નામ અને મોબાઇલ નંબર પૂછવા ગયો હતો. છોકરીના સગાવાલાએ ઉશ્કેરાઈ જઈ અનિલને ઢોર માર માર્યો. અનિલને હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી સુનીલ પાડવી, અનિલ પાડવી તેમજ વિલાસ વસાવાને પકડી પાડ્યા છે.