ખેડા: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતગર્ત શનિવારે નુતન વર્ષના રોજ 5 હજારથી વધુ વિવિધ વાનગીઓનો મહાઅન્નકૂટ યોજવામાં આવ્યો હતો. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે મહાઅન્નકૂટની આરતી ઉતારી હતી. તેમની સાથે મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામી તેમજ સંપ્રદાયના વડીલ સંતો પણ જોડાયા હતા.
અન્નકૂટમાં 5000થી વધુ વાનગીઓ (ETV Bharat Gujarat) દરિદ્રનારાયણના જીવનમાં મીઠાશ ધોળવાનો પ્રયાસ છે: મુખ્ય કોઠારી
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ મહાઅન્નકૂટની માહિતી આપતા જણાવ્યું હતું કે, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ તા. 7 થી 15 નવેમ્બર દરમિયાન ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે. જે અંતગર્ત વડતાલ મંદિરમાં આવેલા હરીમંડપ પાછળના ગ્રાઉન્ડમાં ભવ્ય ડોમ બનાવવામાં આવ્યો છે. જેમાં 5 હજારથી વધુ વિવિધ વાનગીઓ, ફરસાણ, શાકભાજી, ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. નુતન વર્ષના પ્રભાતે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે મહાઅન્નકૂટનું ઉદ્ધાટન કારવામા આવ્યું હતું. ત્યારબાદ આચાર્ય મહારાજ,ચેરમેન દેવપ્રકાશ સ્વામી સહિત સંપ્રદાયના વડીલ સંતોએ મહાઅન્નકૂટની આરતી ઉતારી હતી.
વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ (ETV Bharat GUjara) સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો અન્નકૂટ
સંત સ્વામીએ વધુમાં જણાવ્યું હતુ કે, સંપ્રદાયના ઇતિહાસમાં અને સમગ્ર ગુજરાતમાં આ સૌથી મોટો અન્નકૂટ છે. આ માત્ર મહાઅન્નકૂટ નથી. પરંતુ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વારથી દરિદ્રનારાયણના જીવનમાં મીઠાશ ધોળવાનો વડતાલ સંસ્થાનો પ્રયાસ છે. આ અન્નકૂટ અનોખો એટલે નથી કે એમાં 5100 ઉપરાંત વિવિધ વાનગીઓ ધરાવવામાં આવી છે. આ અન્નકૂટ વિશિષ્ઠ એટલા માટે છે કે લક્ષ્મીનારાયણ દેવને ધરાવેલ 45 ટન જેટલો પ્રસાદ અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ શાળાઓ તથા દરિદ્રનારાયણ અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડાશે.
આ મહાઅન્નકૂટમાં સેંકડો હરિભક્તોની સેંકડો કલાકોની સેવા છે. અક્ષરધામના અધિપતિ શ્રી હરિકૃષ્ણ મહારાજને ભાવતા ભોજન તો છે સાથે સાથે સેવકોની સેવા ભક્તિને રાજીપાના વરખનો શણગાર છે. દરમિયાન ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિત અન્ય મહાનુભાવોએ મહાઅન્નકૂટની આરતી ઉતારી શ્રી હરીના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પણ વાંચો:
- રાજકોટ BAPS મંદિરમાં 1500 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો, દેશ-વિદેશથી દર્શન માટે પહોંચ્યા હરિભક્તો
- પ્રભાસ તીર્થમાં વિક્રમ સંવતના નવા વર્ષે સોમનાથ મહાદેવના દર્શન, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું