ખેડા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. આ ઉત્સાહી મતદારોએ અન્યોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા પુરી પાડી હતી. જેમાં વિકલાંગ દંપતિ, વરરાજા અને નવવધૂએ ઉત્સાહ પૂર્વક મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન સાથે મતદારો વિકાસ અને સમસ્યાઓના નિકાલની અપેક્ષા રાખી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.
વિકલાંગ દંપતીએ મતદાન કર્યું: કપડવંજ તાલુકાના તોરણા પ્રાથમિક શાળા ખાતે વિકલાંગ દંપતીએ મતદાન કર્યું. તોરણા ગામના ગોપાલભાઈ શર્મા અને તેમના પત્ની લતાબેન શર્મા બંને વિકલાંગ હોવા છતાં પણ તેઓ પોતાની ફરજ નહોતા ચૂક્યા. તેમણે મતદાન મથકે પહોંચી ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. સાથે જ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
આ અંગે ગોપાલભાઈ શર્માએ જણાવ્યું હતું કે, 'ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે, ત્યારે અમે પણ જો સમય કાઢીને મતદાન કરવા માટે આવતા હોઈએ છીએ તો દરેક વ્યક્તિએ પોતાનો કિંમતી મત અવશ્યપણે આપી પોતાની ફરજ નિભાવવી જોઈએ.'

વરરાજાએ જાન પ્રસ્થાન પહેલાં કર્યું મતદાન: ડાકોર ખાતે નગરપાલિકાની ચૂંટણી માટે જાન પ્રસ્થાન પહેલા વરરાજા ઉત્સવ પટેલે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. તેને ડાકોર નગરપાલિકા વોર્ડ 7 માટે સંસ્થાન હાઈસ્કૂલમાં મતદાન કર્યું હતું. મત આપવા પહોંચેલા વરરાજાને ત્રણ હરીફ ઉમેદવારોએ પણ વધાવ્યા હતા. પહેલા નાગરિક ધર્મ બાદમાં લગ્ન પ્રસંગ તેમ જણાવી વરરાજાએ મતદારોને પોતાની ફરજ બજાવી 100 ટકા મતદાન કરવા અપીલ કરી હતી.

નવવધૂએ ફેરા ફરતા પહેલા મતદાનની ફરજ નિભાવી: કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે નવવધૂએ ફેરા ફરતા પહેલા મતદાનની ફરજ નિભાવી હતી. અલવા તાલુકા પંચાયત માટે ભૂંગડીયા પ્રાથમિક શાળામાં પહોંચી 21 વર્ષીય નવવધૂ તૃપ્તિબેન પટેલે મતદાન કર્યું હતું. સાથે યુવાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તેમજ મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહીનો ઉત્સવ મનાવવા અપીલ કરી હતી.

'વિકાસની અને સમસ્યાઓના નિકાલની અપેક્ષા' -- મતદારો
મહુધામાં નગરપાલિકાના 6 વોર્ડની 17 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં 38 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. શહેરમાં મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. મતદાન કરવા સાથે જ મતદારોએ નગરના વિકાસની અને સમસ્યાઓના નિકાલ માટે કામ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત માટે મતદાન: ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું છે. જેમાં મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા અને ખેડા નગરપાલિકા તેમજ કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કુલ 175 બેઠકો માટે કુલ 490 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો: