40 વર્ષથી અહીં ચાલે છે અખંડ રામધૂન રાજકોટ :અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે હવે બે દિવસ બાકી છે. વિશ્વભરના રામભક્તોમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. રાજકોટમાં પણ ભગવાન રામને આવકારવા માટે ભકતોમાં અનેરો ઉત્સાહ છે. આ દરમિયાન રાજકોટનું એક અનોખું મંદિર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રાજકોટના સંકિર્તન મંદિરમાં 40 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. ઉપરાંત શહેરમાં આ એકમાત્ર મંદિર છે, જ્યાં ક્યારેય તાળું મારવામાં આવતું નથી. દિવસ-રાત ચાલતી રામધૂનનો ભક્તો 24 કલાક લાભ લઈ શકે છે.
રાજકોટનું સંર્કીતન મંદિર :રાજકોટ સંર્કીતન મંદિરના સંચાલન સમિતિના સભ્ય ગીરીશભાઈ ટાંકે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં આ એક માત્ર મંદિર છે. જ્યાં છેલ્લા 40 વર્ષથી અખંડ રામધૂન શરૂ છે. રાજકોટના KKV હોલ નજીક સ્થિત સંકીર્તન મંદિરનો શિલાન્યાસ મોરારી બાપુના હસ્તે થયો હતો, ત્યારે મોરારીબાપુએ અહીં શ્રી રામ જય રામ જય જય રામ ધૂનનો મંત્ર આપ્યો હતો. ત્યારથી અહીંયા અવિરત પણે આ રામધૂન ગવાઇ રહી છે. આ મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન માટે આવે છે.
રામધૂનનો ભક્તો 24 કલાક લાભ લઈ શકે 40 વર્ષથી ચાલતી અખંડ રામધૂન :ગિરીશ ટાંકે વધુમાં જણાવ્યું હતું કે, આ મંદિરની વધુ એક વિશેષતા છે કે આ મંદિરમાં કોઈ દિવસ તાળું મારવામાં આવતું નથી. રામધૂમ ભક્તો દ્વારા જ ગાવામાં આવે છે. તેમજ અહીં જે પણ ભક્તો દર્શન માટે આવે છે તેઓ પણ આ રામધૂન ગાય છે. આમ દિવસ-રાત આ રામધૂન ચાલુ રહે છે. છેલ્લા 40 વર્ષથી અખંડ રામધૂન શરૂ હોય જેને લઇને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાંથી પણ આ મંદિરે દર્શન માટે બહોળી સંખ્યામાં લોકો આવે છે.
રામ મંદિરના લાઈવ દર્શન :ઉલ્લેખનિય છે કે, આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામ લલ્લા બિરાજમાન થવાના છે. ત્યારે રાજકોટના આ મંદિરમાં પણ સવારથી રાત સુધી અનેકવિધ કાર્યક્રમ યોજાનાર છે. ઉપરાંત રાજકોટ મનપા દ્વારા પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લાઈવ દર્શન શહેરના વિવિધ વોર્ડમાં LED સ્ક્રીન મારફતે કરવાશે. ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે રાજકોટનું આ અનોખું સંર્કિતન મંદિર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
- Rajkot News: અયોધ્યા મહોત્સવનું રાજકોટના 18 વોર્ડમાં લાઈવ સ્ક્રીનિંગ કરાશે
- BJP Rajkot : રાજકોટ ભાજપ દ્વારા સેલ્ફી વિથ અયોધ્યા મંદિર રથનું પ્રસ્થાન કરાયું