સુરત:જિલ્લાના કામરેજમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. કામરેજના બાઈકસવાર 2 મિત્રોને અજાણ્યા વાહન ચાલકે કચડી નાખ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિયાલજ ગામની સીમમાં નેશનલ હાઈવે નં-48 પરથી પસાર થઇ રહેલા 2 યુવકોની બાઈકને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા બંને મિત્રોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
વાહનચાલકે 2 યુવાનોને અડફેટે લીધા: મળતી માહિતી મુજબ કામરેજના 32 વર્ષીય હિમાંશુભાઈ બિરેનસીંગ ચમાર પોતાનું બાઇક નં. જીજે-05-ઇસી-1575 લઈને પાછળ 19 વર્ષીય વિનિતભાઈ ગોવિંદભાઇ ચમારને બેસાડી કોસંબા પાસેની કંપનીમાં વેલ્ડીંગ કામ કરવા ગયા હતા. કામ પતાવી બંને મિત્રો બાઈક પર પોતાનાં ઘરે કામરેજ પરત ફરી રહ્યા હતા. તેઓ કોસંબા પાસેના સિયાલજ ગામ પાસે નેશનલ હાઈવે નં 48 પરના પુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે હંકારી આગળ જતી યુવકોની બાઈકને ટક્કર મારી દીધી હતી.