ગાંધીનગર: સચિવાલય ખાતે ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે તે માટે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખેડૂત પ્રતિનિધિ રાજ્યના કૃષિ ખાતાના અધિકારીઓ અને કૃષિ નિષ્ણાતો હાજર રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2025-26 ના રવિ પાક માટે 8 થી 8.5% સુધીના ભાવ વધારાની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર ટેકાના ભાવમાં કેટલો વધારો કર્યો તે જોવું રહ્યું.
કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન: રવી સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે. જે બેઠકમાં ખેડૂત આગેવાનો, કિસાનસંઘ અને ગુજરાત ભાવ પંચના સભ્યો હાજર રહ્યાં હતા. ત્યારે હવે ભાવ પંચ પાકના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને ભલામણ કરશે. રાજ્યોમાં ભાવપંચની ભલામણના આધારે ટેકાના ભાવ નક્કી કરાય છે.
ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર ચિંતિત: ભાવ પંચની બેઠક બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર ચિંતિત છે. નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તેવું આયોજન કરાયું છે. ખેડૂતોને પૂરતો ટેકાનો ભાવ મળી રહે તેવો કેન્દ્ર સરકાર પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે ભૂતકાળમાં એવું જોવા મળતું હતું કે ખેડૂતનો પાક જ્યારે તૈયાર થાય ત્યારે બજારમાં ભાવ ઘટી જતા હતા. તેથી કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત જ્યારે પાકનું વાવેતર કરે ત્યારે જ ટેકાનો ભાવ જાહેર કરી દેવામાં આવે છે. તેથી ખેડૂતોનો માલ તૈયાર થઈને બજારમાં આવે ત્યારે જણસીના પુરતા ભાવ મળી રહે છે. સરકાર પણ પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે પાકની ખરીદી કરે છે. ટેકાના ભાવે થતી ખરીદી સંપૂર્ણ રીતે પારદર્શક છે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા ખુલ્લા બજારમાં પણ પાકોના ભાવ જળવાઈ રહે છે. આમ ખેડૂતોને ભાવમાં નુકસાન થતું નથી.