જૂનાગઢ: મકરસંક્રાંતિના તહેવારે સમગ્ર રાજ્ય પતંગ રસિકોના રંગમાં રંગાયેલું જોવા મળશે. પતંગ ચગાવવાને લઈને એક રસપ્રદ ઇતિહાસ જૂનાગઢ સાથે સંકળાયેલો છે. કેટલીક મિથ્યા ધારણાઓ અનુસાર જૂનાગઢમાં પતંગ ઉડાવવાને લઈને પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ એક પ્રકારની મિથ્યા ધારણા હતી. જૂનાગઢમાં ચોક્કસ પતંગો ચગતી હતી પરંતુ તેને ઉડાવવાનો સમય અને દિવસો ગુજરાતના અન્ય પ્રાંત કરતાં અલગ હતા. જૂનાગઢના ઇતિહાસ સાથે જોડાયેલી પતંગની કેટલીક રસપ્રદ અને જાણી-અજાણી વાતો જાણીઈ ઇતિહાસકાર હરીશ દેસાઈ પાસેથી.
જૂનાગઢમાં પતંગ ચગાવવા પર હતો પ્રતિબંધ: મકરસંક્રાંતિનું પર્વ પતંગ રસિકો માટે વર્ષમાં એક વખત આવતું અને એકદમ જલસા પાર્ટી સાથે મનાવવામાં આવતું પર્વ આજે પણ છે. મકરસંક્રાંતિના દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતના પતંગ રસિકો એકમાત્ર પતંગ ફિરકી અને 'કાય પો છે...' ના ગગનભેદી નારાથી રંગાયેલા જોવા મળતા હતા.
પતંગ રસિકો સાથેનો ગુજરાતનો ઇતિહાસ આજે પણ એવું દર્શાવે છે કે મકરસંક્રાંતિના દિવસે સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતના અન્ય પ્રાંતોમાં પતંગ ચગાવવાને લઈને એક અનોખો અને અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. એ જ પ્રકારે સૌરાષ્ટ્રના પ્રાંતોમાં મકરસંક્રાંતિના આ દિવસો દરમિયાન પતંગ ચગાવવાને લઈને કોઈ મોટી ચહલ પહલ કે ઉત્સાહ જોવા મળતો ન હતો.
એક અનોખી મિથ્યા: ઉપરાંત, કેટલીક એવી મિથ્યા ધારણાઓ પણ પ્રબળ બનતી હતી કે જૂનાગઢમાં નવાબના સમયમાં પતંગ ચગાવવાને લઈને પ્રતિબંધ હતો. પરંતુ આ એક પ્રકારની મિથ્યા ધારણા હતી. જૂનાગઢમાં ચોક્કસપણે સંક્રાંતિના દિવસોમાં પતંગ ચગતી ન હતી. પરંતુ દિવાળીના સમયે સમગ્ર સોરઠ પંથકમાં પતંગો ચગતી જોવા મળતી હતી. જેનું સાક્ષી જૂનાગઢના નવાબ પરિવાર પણ બનતા હતા.
સંક્રાંતિનું પર્વ દાન અને પુણ્યનું: સમગ્ર સોરઠ પંથકમાં સંક્રાંતિના પર્વને દાન અને પુણ્યના પર્વ સાથે જોડીને ઉજવવામાં આવતું હતું. જેથી સૌરાષ્ટ્રના અને ખાસ કરીને સમગ્ર સોરઠ પંથકમાં સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાને લઈને કોઈ વિશેષ પરંપરા પ્રસ્થાપિત થઈ ન હતી. આજે સમય અને સંજોગો બદલાયા છે એટલે સોરઠ પંથકના કેટલાક વિસ્તારોમાં આજે પણ મકરસંક્રાંતિને દિવસે પતંગો ચગતી જોવા મળતી નથી. જેની પાછળ સાંસ્કૃતિક અને ભૌગોલિક ધારણાઓ પણ કામ કરી રહી છે.
નવાબો સાથે જોડાયેલી રસપ્રદ ઘટના: મકરસંક્રાંતિના દિવસે પવનની દિશા બદલાતી હોય છે. પતંગ પવનને આધારિત ચગતો હોય છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ અને સમગ્ર સોરઠ પંથકમાં સંક્રાંતિના દિવસે પતંગો ચગતી ન હતી. પરંતુ દિવાળીના દિવસોમાં પતંગને અનુરૂપ પવન અને તેની દિશા હોવાને કારણે આ સમય દરમિયાન ખૂબ પતંગો ચગતી જોવા મળતી હતી. જેમાં જૂનાગઢના નવાબનો પરિવાર પણ જોડાતો હતો. પેલેસમાંથી પણ પતંગો ચગતી હતી. નવાબે ચગાવેલી પતંગ સાથે પેચ લગાવવાનો ઇતિહાસ પણ જૂનાગઢ સાથે જોડાયેલી એક અતિ રસપ્રદ ઘટના છે. પેલેસની પતંગ કાપવાનો પણ એક અનોખો ઉત્સાહ હતો. પતંગ રસિકો નવાબ પરીવારમાંથી ચગેલી પતંગને કાપી અને તેને લૂંટવાની પણ એક અલગ મજા લેતા હતા.
પુસ્તકોમાં પણ પતંગનો રસપ્રદ ઇતિહાસ: પતંગનો રસપ્રદ ઇતિહાસ આજે સાહિત્ય અને પુસ્તકોમાં પણ જોવા મળે છે. જ્યોતીન્દ્ર દવે અને ધનસુખ મહેતા દ્વારા સંયુક્ત પણે લખાયેલા પુસ્તક "અમે બધા" માં પતંગનો ખાસ અને વિશેષ પ્રકારે ઉલ્લેખ જોવા મળે છે. આ પુસ્તકમાં પણ પતંગનું જેટલું મહાત્મ્ય સુરત, અમદાવાદ, વડોદરા અને ગુજરાતના અન્ય પ્રાંતોમાં જોવા મળતું હતું. તેની સરખામણીએ સૌરાષ્ટ્રમાં પતંગને લઈને કોઈ ઉત્સાહ જોવા મળતો ન હતો. તેનો પણ ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
કાઠીયાવાડમાં પતંગ માત્ર બાળકોની રમત તરીકે જ પ્રસ્થાપિત હતી અને દિવાળીના સમય દરમિયાન બાળકો પતંગ ચગાવતા જોવા મળતા હતા. એ જ પરંપરા આજે પણ દિવાળીના દિવસોમાં જોવા મળે છે પરંતુ મકરસંક્રાંતિનું પર્વ અને પતંગ ચગાવવાનો ઇતિહાસ આજે પણ સુરત અને કાઠીયાવાડ પંથકમાં એક સાથે જોવા મળતા નથી.
આ પણ વાંચો: