અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ACMA (અમદાવાદ કોમ્પ્યૂટર મર્ચન્ટ્સ એસોસિએશન) ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ ટેક પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
104થી વધુ અગ્રણી ટેક પ્રદર્શકોના સ્ટોલ
ઉલ્લેખનીય છે કે, ACMA ટેક એક્સ્પો 2થી 4 જાન્યુઆરી, 2025 દરમિયાન અમદાવાદના સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ રહ્યો છે. અમદાવાદ કોમ્પ્યૂટર મર્ચન્ટ્સ એસોસિએશન (ACMA) ટેક એક્સપોનો મુખ્ય હેતુ સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ અગ્રણી ટેક પ્રદર્શકોને એકસાથે લાવવાનો તેમજ ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા અને સહયોગની ઉજવણી કરવાનો છે.
ACMA ટેક એક્સ્પોનો હેતુ
આ એક્સપોમાં પ્રદર્શન અને વેપાર મેળો, ACMA નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી સમિટ, બિઝનેસ ટુ બિઝનેસ ક્રિયા- પ્રતિક્રિયાઓ માટે સ્પીડ વેન્ડિંગ સેશન્સ, ACMA સ્ટાર્ટઅપ સમિટ, CIO કોંકલેવ સાઇબર ગેમિંગ ચેમ્પિયનશિપ, સાયબર ક્રાઇમ સહિતની વિવિધ ઇવેન્ટ્સ અને પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવશે.
સાથે જ અવેરનેસ ડ્રાઈવ, ACMA નેટવર્કિંગ ડિનર અને ઈ - વેસ્ટ કલેક્શન ડ્રાઇવનો હેતુ ટેકનોલોજી ઇકો સિસ્ટમમાં જ્ઞાનની વહેંચણી કરવાનો અને બિઝનેસ નેટવર્કિંગ તેમજ ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે.
ACMA ટેક એક્સ્પોમાં મહાનુભાવોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં અગ્ર સચિવ મોના ખંધાર, ACMAના પ્રેસિડેન્ટ ગૌરાંગ શેઠ, GTUનાં વાઈસ ચાન્સેલર રાજુલ ગજ્જર, ગુજરાત કાઉન્સિલ સાયન્સ સિટીના ડાયરેક્ટર સુધીર પટેલ, ACMAના સેક્રેટરી પુરવ શાહ તેમજ અન્ય સભ્યો અને વિવિધ રાજ્યોમાંથી પધારેલા ટેક પ્રદર્શકો ઉપસ્થિત રહ્યા હતા.