ઈરાન : ભારતના કેરળની નર્સ નિમિષા પ્રિયાને હાલમાં જ યમનમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તેને એક મહિનાની અંદર ફાંસીની સજા સંભળાવવામાં આવે તેવી શક્યતા છે. જોકે, ઈરાને માનવતાના ધોરણે કેરળની નર્સ નિમિષા પ્રિયાના મામલામાં હસ્તક્ષેપ કરવા દેશની ઈચ્છા દર્શાવી છે.
ભારતીય નર્સની મદદે આવ્યું ઈરાન : ભારતીય નર્સ નિમિષા પ્રિયાના કેસમાં ટેકો આપતા ઈરાની અધિકારીએ કહ્યું, "માનવતાના ધોરણે અમે જે કંઈ કરી શકીએ તે કરવા તૈયાર છીએ." નિમિષા પ્રિયાના કેસમાં મૃત્યુદંડ પર પુનર્વિચાર કરવા યમન પર વધતા વૈશ્વિક દબાણ વચ્ચે ઈરાની અધિકારીનું નિવેદન સામે આવ્યું છે.
શા માટે મળ્યો મૃત્યુદંડ ? નિમિષા પ્રિયા હત્યાના આરોપમાં યમનના સનાની સેન્ટ્રલ જેલમાં મૃત્યુદંડનો સામનો કરી રહી છે. ઘણા વર્ષોથી યમનમાં કામ કરતી નિમિષા પ્રિયાની યમનના એક વ્યક્તિની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી અને તેને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ટ્રાયલ અને ત્યારપછીની સજાએ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સહિત માનવાધિકાર સંસ્થાઓનું ધ્યાન આકર્ષિત કર્યું, જેમણે ટ્રાયલની નિષ્પક્ષતા અને ખામીયુક્ત કાનૂની પ્રક્રિયાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
નિમિષા પ્રિયાને બચાવવા પ્રયાસ : અગાઉ મૃત યમનના નાગરિક તલાલ અબ્દો મેહદીના પરિવાર અને તેના કબીલાના નેતાઓને ગુનો માફ કરવા માટે સમજાવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. નિમિષાની માતા પ્રેમકુમારી મૃતક યમન નાગરિકના પરિવારને મળવા અને પોતાની પુત્રીની મુક્તિની ખાતરી કરવા યમન ગઈ હતી.
યમનની સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો અને સજા માફ કરવાની માંગને પણ ફગાવી દીધી હતી. હાલમાં ભારત દ્વારા તેની સજા માફી અથવા ઘટાડવાની માગણી માટે રાજદ્વારી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો ? હેરાનગતિથી કંટાળીને નિમિષા પ્રિયાએ જુલાઈ 2017માં તલાલને નશાનું ઇન્જેક્શન આપ્યું હતું, જેના કારણે તલાલ અબ્દો મહેદીનું મૃત્યુ થયું હતું. નિમિષાએ દલીલ કરી કે તેને મારવાનો ઈરાદો નહોતો. તેણી તેનો પાસપોર્ટ મેળવવા માંગતી હતી, જે તલાલ પાસે હતો.
તમને જણાવી દઈએ કે નિમિષા પ્રિયા 2012માં નર્સ તરીકે યમન ગઈ હતી. 2015માં નિમિષા અને તલાલે સાથે મળીને ત્યાં ક્લિનિક શરૂ કર્યું હતું. નિમિષાને જાણ કર્યા વિના મૃતકે ક્લિનિકમાં શેરહોલ્ડર તરીકે પોતાનું નામ સામેલ કરીને માસિક આવકમાંથી અડધી રકમ ઉચાપત કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે નિમિષાએ આ અંગે સવાલ કર્યો તો તલાલ સાથે તેનો વિવાદ શરૂ થયો. તલાલે તેની સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું અને તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું.