અમદાવાદ : ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલે આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન અરજી મુદ્દે સતત ચોથી વખત ફરી એકવાર મુદ્દત પાડી છે. આ મામલે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી કોર્ટમાં પેન્ડિંગ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. હવે સુનાવણી આવતીકાલે કરવામાં આવશે.
મુખ્ય આરોપી કાર્તિક પટેલ : કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને તેઓની સિગ્નેચરથી જ હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર થતા હતા. તેઓએ હોસ્પિટલના માધ્યમથી નાણાંકીય કૌભાંડ આચાર્ય હોવાની રજૂઆત ક્રાઈમ બ્રાન્ચે ગ્રામ્ય કોર્ટમાં કરી હતી. ધરપકડ ટાળવા કાર્તિક પટેલ વિદેશમાં છે અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
સતત ચોથી વાર મુદત પડી : જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી, જોકે વધુ એક મુદત પાડવામાં આવતાં હવે આવતીકાલે સુનાવણી કરવામાં આવશે. આ દરમિયાન કાર્તિક પટેલના વકીલ દ્વારા જામીન અરજી પર દલીલ કરવામાં આવશે.
ફરિયાદો ક્લબ કરવા હાઇકોર્ટમાં અરજી : ઉપરાંત ખ્યાતિ કાંડ કેસના પાંચ આરોપીઓ સામે થયેલ કુલ ત્રણ ફરિયાદને ક્લબ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી રજૂઆત કરવામાં આવી છે કે, ત્રણેય ફરિયાદ એક સમાન છે આથી અલગ અલગ કાર્યવાહી કરવાની જરૂર નથી.
ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ : ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાના કાર્ડ ધારકોનો એક કેમ્પ કડીના બોરસદ ગામે યોજાયો હતો. બાદમાં અમદાવાદ એસજી હાઇવે સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં પરિવારજનોની જાણ બહાર જ લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. આ તમામ ઓપરેશન ડોક્ટર પ્રશાંત વજીરાણીએ કર્યા હતા. જોકે, બે દર્દીના મોત થયા હતા, જે બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
અન્ય આરોપીની જામીન અરજી : આ સિવાય ખ્યાતિ હોસ્પિટલ કેસમાં જેલવાસ ભોગવી રહેલા માર્કેટિંગ વિભાગના આરોપી અંકિલ હસમુખભાઈ પટેલ અને આરોપી પ્રતિક યોગેશભાઈ ભટ્ટે પણ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. તે મામલે ક્રાઈમ બ્રાન્ચે એફિડેવિટ કરી રજૂઆત કરી હતી કે, તપાસ દરમિયાન સામે આવ્યું કે દર્દીના પ્રાથમિક રિપોર્ટ બનાવ્યા, તેનાથી અલગ રિપોર્ટ ગાંધીનગર ખાતે રજૂ કર્યા હતા. બીજી તરફ આરોપી તરફથી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી કે, કોર્ટ દ્વારા અમે જામીન આપવી જોઈએ.
ખ્યાતિ કાંડ: 15 લોકો હાઇકોર્ટના દ્વારે, ઓપરેશન પછી થઈ રહી છે સમસ્યાઓ
ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના હવાતિયાં: ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી