ખેડાના મહુધામાં પોલીસ સ્ટેશન બહાર ફરિયાદી પર ટોળાએ કર્યો હુમલો (Etv Bharat gujarat) ખેડા: જીલ્લાના મહુધા પોલીસ સ્ટેશન બહાર ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. એક શખ્સ દ્વારા સોશિયલ મીડીયામાં કરવામાં આવેલી પોસ્ટ બાબતે ફરિયાદ કરવા માટે કઠલાલના વ્યક્તિઓ મહુધા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા. જ્યાં ફરિયાદ નોંધાવી બહાર નીકળતા પોલીસ સ્ટેશનની બહાર જ ફરીયાદીની કાર પર ટોળા દ્વારા પથ્થરમારો કરાયો હતો. જેમાં કારના કાચ તોડી નાખીને નુકસાન કરવામાં આવ્યું હતું. હુમલામાં ફરિયાદી જીવ બચાવીને કઠલાલ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઘટનાને પગલે SP સહિતના અધિકારીઓનો પોલીસ કાફલો મહુધા પહોંચ્યો હતો. પોલીસે સ્થિતિ નિયંત્રિત કરી બંદોબસ્ત ગોઠવી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર મામલામાં 3 ફરિયાદ નોંધાઈ છે: સમગ્ર મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરતા અલગ અલગ 3 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં સોશિયલ મીડીયામાં ભડકાઉ પોસ્ટ મુકવા બાબતે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી પર ટોળા દ્વારા હુમલો કરવા બાબતે તેમજ 1 અન્ય વાહન ચાલક પર હુમલો કરવા મામલે 2 શખ્સો વિરૂદ્ધ નામજોગ તથા અન્ય વિરૂદ્ધ એમ 3 ફરિયાદો નોંધાઈ છે. જેમાં પોલીસ દ્વારા હુમલાના મામલામાં 38 શખ્સો વિરૂદ્ધ નામજોગ તેમજ અન્ય 100 લોકોના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી પોલીસ દ્વારા કેટલાક લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે. તેમજ અન્ય આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો:સમગ્ર મામલે પોલીસ દ્વારા મહુધા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જીલ્લા પોલિસ અધિક્ષકની આગેવાનીમાં શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. હાલ શહેરમાં શાંતિનો માહોલ છે. પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની અફવાથી દૂર રહી શાંતિ જાળવવા નગરજનોને અપીલ કરવામાં આવી છે.
સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે: આ બાબતે જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે મહુધામાં 2 વ્યક્તિ દ્વારા અમુક વાંધાજનક પોસ્ટ સોશિયલ મીડીયા પર મુકવાને કારણે કોમી વૈમનસ્ય ફેલાય એ પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું. જેના આધારે 3 લોકો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવી હતી. જે બાબતે ગુનો દાખલ થયો હતો. સોશિયલ મીડીયા પોસ્ટ મુકનારા વ્યક્તિને પોલીસે પકડી લીધી હતી. ત્યારબાદ જ્યારે આ 3 વ્યક્તિ પરત પોતાને ઘરે જઇ રહ્યા હતા.
ફરિયાદીની ગાડી પર ટોળાનો હુમલો: ફરિયાદીની ગાડી પર 100 થી વધારે લોકોના ટોળાએ હુમલો કર્યો હતો અને ફરિયાદીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. હુમલા સમયે નજીકમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર તાત્કાલિક પહોંચી ગયા હતાં, વ્યક્તિને ઈજા ન થાય એ પ્રકારે બચાવી સહી સલામત સરકારી ગાડીની અંદર ઘરે પહોંચાડ્યો હતો. જે હુમલો થયો એ બાબતમાં ગુનો દાખલ કરવામાં આવે છે. અન્ય પણ 1 ગુનો દાખલ થયો છે. ટોળા પૈકી અમુક આરોપીઓને પકડવામાં આવ્યા છે. ઈન્ટ્રોગેશન પણ ચાલુ છે.જે આરોપીઓ વિરુદ્ધ પુરાવા મળશે તેમની ધરપકડ કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ખોટી અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરાશે: તમામ સંવેદનશીલ જગ્યાઓએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સિનિયર અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને એ માટે તકેદારી રાખી રહ્યા છે. તોપણ પ્રકારની ખોટી અફવામાં ન આવે અને શાંતિ જાળવી રાખે તે માટે નગરજનોને વિનંતિ છે. જે લોકો દ્વારા ખોટી અફવા ફેલાવશે. તેની સામે ચુસ્ત કાયદાકીય પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો:
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત આગમન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ - PM MODI GUJARAT VISIT
- 1 કરોડ યુવાનોને 500 કંપનીઓમાં 1 વર્ષની ઇન્ટર્નશીપ અપાશે: રાજકોટમાં મનસુખ માંડવિયાનું એલાન - National Career Service Portal