સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં કાળા તલના કચરીયાની શિયાળામાં ભરપુર માંગ રહે છે અને આ કચરીયાનો સ્વાદ હવે ગુજરાત પુરતો સિમિત ન રહેતા છેક મહારાષ્ટ્ર, બેંગ્લોર સહિત વિદેશ સુધી પહોંચ્યો છે. સુરેન્દ્રનગરના વેપારીઓ દ્વારા સમગ્ર રાજ્યની સાથે હવે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને મહારાષ્ટ્ર સહીત વિદેશોમાં આ કચેરીયું મોકલવામાં આવે છે.
પ્રખ્યાત કાળા તલનું કચરિયું: શિયાળાની ઋતુ આરોગ્યને તંદુરસ્ત બનાવવા માટે સૌથી સારી ઋતુ માનવામાં આવે છે. શિયાળા દરમિયાન પૌષ્ટિક આહાર ખાવાનું એટલે જ ખુબ મહત્વ રહેલુ છે, ત્યારે આજે અમે તમને એક એવા જ પૌષ્ટિક આહાર વિશે જણાવીશુ જે શિયાળામાં આરોગવાથી શરીરને અનેક લાભ થાય છે. આ પૌષ્ટિક આહાર એટલે કાળા તલમાંથી બનાવવામાં આવતુ કચેરીયું.
કચરિયું કેવી રીતે બનાવવામાં આવે છે: હવે તલના કચરિયાની વાત કરીએ તો સફેદ અને કાળા તલ એ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યપ્રદ આરોગ્ય બક્ષનારા રસાયણ સમાન છે. કચરિયાનું નામ પડે એટલે સુરેન્દ્રનગર કેમ ભુલાય. શિયાળા દરમિયાન સુરેન્દ્રનગરમાં ઘરે-ઘરે લોકો રોજ સવારે એક-એક ચમચી કચરિયું ખાતા હોય છે. આખા ગુજરાતથી લઈ મહારાષ્ટ્રના મુંબઇ જેવા સિટીમાં તેમજ બેંગ્લોર સહિત વિદેશ સુધી સુરેન્દ્રનગરનું કચરિયું પાર્સલ મારફતે મોકલાય છે અને એનું વેચાણ થાય છે. આ કચરિયું પરંપરાગત શિયાળુ પાક તરીકે ઓળખાય છે, જે ખજૂર, કાળા તલ, ગોળ, નાળિયેર, ગુંદર અને થોડા તેજાના મસાલા અને વિવિધ સૂકા મેવા જેવી સામગ્રી વાપરી બનાવવામાં આવે છે.
લોકોની કચરિયું બનાવવામાં માસ્ટરી: શરીરની પ્રણાલીને ઉષ્મા આપતી હોય એવી તમામ સામગ્રી આમાં વપરાય છે. સુરેન્દ્રનગર ગામમાં પ્રવેશતા તમને ઠેર-ઠેર સફેદ અને કાળા તલનું કચરિયું જોવા મળશે. એનું મુખ્ય કારણ એ છે કે પહેલાંના જમાનામાં, સુરેન્દ્રનગરમાં તલની કાચી ઘાણીઓ હતી એટલે કે તલના દાણાને પીસવા માટે બળદનો ઉપયોગ કરી એને પીસવામાં આવતા અને એમાંથી તેલ કાઢતા જેને આજે કોલ્ડ પ્રેસ ઑઇલ કહેવાય છે, પણ હવે તો બધું મશીનથી ચાલે છે. એ કાર્ય સુરેન્દ્રનગરથી શરૂ થયું હતું માટે અહીંના લોકોની કચરિયું બનાવવામાં માસ્ટરી હોય છે.