સુરતના શિક્ષકે મોબાઇલ સાથે પગ પણ ગુમાવ્યા (ETV Bharat Gujarat) નવસારી :જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા સુરતના 35 વર્ષીય શિક્ષકે તસ્કરોના કારણે મોબાઇલ સાથે પોતાના પગ પણ ગુમાવ્યા છે. રાજેશ ધંધુકિયા જ્ઞાન સહાયક તરીકે દહેજમાં આવેલા લખી ગામ ખાતે ફરજ બજાવે છે.
મોબાઈલ સ્નેચિંગનો બનાવ :રાજેશ ધંધુકિયાની બદલી વાપીના પારડી વિસ્તારમાં આવેલા વાઘછીપા ગામે થતા તેઓ નવી જગ્યાએ જવા કર્ણાવતી ટ્રેન મારફતે નીકળ્યા હતા. ભીડ હોવાના કારણે તેઓ ટ્રેનના દરવાજા પર બેઠા હતા. નવસારીથી આગળ ટ્રેન કોઈ કારણોસર ધીરે પડી હતી. વેજલપુર વિસ્તાર પાસે આવેલા આંબેડકરનગરથી રામનગરની વચ્ચે ચાર જેટલા યુવાનો ટ્રેક પર ઉભા રહીને ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા હતા.
શિક્ષક સાથે બન્યો ગંભીર બનાવ :રાજેશ ધંધુકિયા પોતાના મોબાઈલથી વાત કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેન ધીમી ગતિએ પસાર થતા ચાર તસ્કર યુવાનોએ શિક્ષકના હાથમાં ઝાપટ મારી અને મોબાઈલ છીનવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં યુવાન શિક્ષકનો મોબાઇલ નીચે પડી ગયો હતો. જોકે એક યુવાનનો હાથ શિક્ષકની બેગમાં ફસાઈ જતા શિક્ષક નીચે પટકાયા અને તેમના બંને પગ ટ્રેન વ્હીલ નીચે આવી જતા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
શિક્ષકનો પગ કાપવો પડ્યો :તસ્કરોએ 50,000 ની કિંમતનો મોબાઇલ લી રફુચક્કર થઈ ગયા હતા. યુવાનની ગંભીર હાલત જોઈ આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત શિક્ષકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં હાજર ઓર્થોપેડિક તબીબે તેમના પગની સ્થિતિ જોઈ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો, જેમાં તેમનો એક પગ કાપી નાખવો પડ્યો હતો.
પીડિતની આપવીતી :ઇજાગ્રસ્ત શિક્ષક રાજેશ ધંધુકિયાએ જણાવ્યું હતું કે, હું કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં દરવાજા પાસે બેસી ફોન પર વાત કરતો હતો. તે દરમિયાન ટ્રેકની બાજુમાં ઉભેલા ચાર જેટલા લોકોએ ઝાપટ મારી મારો મોબાઇલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. એક યુવાનનો હાથ મારા બેગમાં ફસાઈ જતા હું બેગ સહિત નીચે પટકાયો, જેના કારણે મારા બંને પગમાં ગંભીર ઈજા થતાં મારો પગ કાપવાની નોબત આવી છે. પગ કાપવાના કારણે મારી પરિસ્થિતિ દયનીય બની છે. કારણ કે મારા એકલા પર મારા પરિવારની જવાબદારી છે અને હવે હું કંઈ પણ કામ કરી શકું તેવી પરિસ્થિતિ નથી. તેથી સરકારે આવા તત્વો પર કાર્યવાહી કરી આ સંદર્ભે કંઈક યોગ્ય નિરાકરણ લાવે. ટ્રેન મારફતે આવતા જતા લોકો આવા તત્વોનો શિકાર બનતા હોય છે. જેથી આવા તત્વો પર પોલીસ યોગ્ય પગલાં લે તેવી મારી માંગ છે.
- ઘેનની દવા નાખી લૂંટ કરતો આરોપી ઝડપાયો, પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી વિગતો
- હવે તો ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે, નવસારીના આ ગામમાં દીપડાની દહેશત