મહેસાણાઃ મહેસાણામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં લગ્નની લાલચ આપી કોલેજમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની સાથે તેની જ કોલેજમાં અભ્યાસ કરતા યુવકે યુવતીને પોતાના ઘરે લઇ જઇ લગ્નની લાલચ આપી ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. દુષ્કર્મ બાદ યુવતી સાથે લગ્ન ન કરતા યુવતીએ મહેસાણા તાલુકા પોલીસમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા નજીક આવેલી એક હોસ્ટેલમાં રહેતી અને એક કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય યુવતી અને ઉદલપુર ગામે રહેતો વ્રજ પટેલ પણ એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. ફરિયાદ પ્રમાણે અભ્યાસ દરમિયાન યુવક યુવતી વચ્ચે અગાઉ મિત્રતા હતી. એ દરમિયાન યુવકે યુવતી સાથેના ફોટો લીધા હતા. ત્યારબાદ યુવક અવારનવાર યુવતીને ફોટો બતાવી બ્લેકમેલ કરતો અને ફોટોગ્રાફ કોલેજમાં બધાને બતાવી દેવાની ધમકીઓ આપતો હતો.
ફરિયાદ મુજબ, ત્યારબાદ યુવતી જે હોસ્ટેલમાં રહેતી ત્યાં તેને ડરાવી ધમકાવી હોસ્ટેલમાંથી રજા લેવડાવી યુવતીને 28 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે ઉદલપુર લઈ ગયો હતો. એ દરમિયાન રાત્રીના સમયે વ્રજ પટેલ નામના યુવકે પોતાના ઘરમાં યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીએ લગ્નનું કહેતા યુવકે લગ્નની ના પાડી દીધી હતી.
આ મામલે યુવતીએ મહેસાણા તાલુકા પોલીસમાં વ્રજ પટેલ વિરુદ્ધ કલમ. 64 (2) (એમ), 87, 351 (2) મુજબ ફરિયાદ નોંધાવી હતી.