કચ્છઃ કચ્છના જખૌ પોલીસ સ્ટેશનમાં જ તસ્કરો ચોરી કરી ગયા છે. તસ્કરોએ જખૌ પોલીસ સ્ટેશનના મુદ્દામાલના રૂમમાં જ હાથ મારી પોલીસને પડકાર ફેંક્યો છે. પોલીસ મથકના પીએસઆઇ હીરા મઠીયાએ આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે. જેમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અજાણ્યા ચોરો પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ જ લઈને ફરાર થઇ ગયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સોએ ચોરી કરી પડકાર ફેંક્યો
છેલ્લાં કેટલાક સમયથી કચ્છમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ઘરફોડ સાથે મોટી મોટી કંપનીમાં ઉપયોગમાં લેવાતા કિંમતી વાયર્સ જેમાં કોપર કેબલની ચોરી સહિતના બનાવો સતત વધી રહ્યા છે. તે વચ્ચે ચોરોએ જખૌ પોલીસ મથકના વિવિધ ગુનામાં કબ્જે કરવામાં આવતા મુદ્દામાલ જે રૂમમાં રાખવામાં આવે છે એ જ રૂમમાં હાથ મારી પોલીસને પડકાર ફેંક્યો છે અને ચોરી કરી ફરાર થઈ ગયા છે.
કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો
કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે છેલ્લા કેટલાક સમયથી સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા કથળી ગયા જેવો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ઘરફોડ ચોરી સહિતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તે વચ્ચે ચોરોએ જખૌ પોલીસ સ્ટેશનની અંદર જ મોટો હાથ મારી ચોરીને અંજામ આપ્યો છે.
તસ્કરો શું ચોરી ગયા
જખૌ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જ આવેલા મુદ્દામાલ રૂમમાં પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ કોઇ અજાણ્યા ચોરો લઇ ફરાર થઇ ગયા છે. જે મામલે જખૌ પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. ચોરીના બનાવ 2 તારીખ પહેલા કોઇપણ સમયે બન્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કોઈપણ સમયે જખૌ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડની અંદર પોલીસ સ્ટેશનની બિલ્ડિંગની પાછળ આવેલા મુદ્દામાલ રૂમના દરવાજાનું તાળુ તોડયા વગર નકુચો વાળી સ્ટોપ૨ ખોલીને કોઈ દરવાજાને યેનકેન પ્રકારે ખોલી રૂમમાં અંદર પ્રવેશી ગયા હતા. રુમમાંથી વિવિધ ગુનામાં કબ્જે કરેલો મુજમાલ હતો જેમાં બે પ્લાસ્ટિકના થેલાઓ પૈકી એક થેલામાં કોપર કેબલ આશરે 30 કિલો ગ્રામ તથા બીજા થેલામાં છોલેલા કોપર કેબલ તથા ત્રણ ફૂટની લંબાઈ અને ચાર ઇંચની પહોળાઈ વાળી ધાતુની 2 પ્લેટ્સ તથા ધાતુના 3 બાંધ્યા આશરે 40 કિલો ગ્રામનો મુદ્દામાલ તેમજ એક પ્લાસ્ટિકના થેલામાં 60 મીટર કોપર કેબલનો મુદામાલ એમ કુલ 45,000ના મુદ્દામાલની ચોરી કરી અને ગુનો કર્યો છે.
પીએસઆઇ હીરા મઠીયાએ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી
પોલીસ સ્ટેશનમાં ચોરીના બનાવનો ગુનો ગઇકાલે પોલીસના ધ્યાને આવ્યો હતો. જે બાદ જખૌ પોલીસ સ્ટેશનના પીએસઆઇ હીરા મઠીયાએ ફરિયાદી બની અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જખૌ પોલીસના બી. પી. ખરાડી એ વધુ તપાસ હાથ ધરી છે. પચ્છિમ કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં તાજેતરમાં અનેક ઘરફોડ ચોરીના બનાવો સામે આવ્યા છે, પરંતુ તે વચ્ચે હવે તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં હાથ મારી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ફરિયાદ મોડી કરવા પાછળ શું કારણ?
પોલીસે આરોપીઓ વિરૂધ્ધ બી.એન.એસ. અધિનિયમની કલમ 305 (એ), 331(3), 331(4) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા અજાણ્યા ઈસમ વિરૂધ્ધ મારી સરકાર તરફે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ મોડી કરવાનું કારણ એ છે કે પોલીસને આ ચોરી બાબતે 2 ફેબ્રુઆરીના રોજ જાણ થઈ હતી પરંતુ મુદામાલ રૂમમાં અલગ અલગ ગુનાઓનો ઘણો મુદામાલ પડ્યો હતો. જેથી મુદામાલ રજીસ્ટર મુજબ રેકર્ડની ખરાઇ કરતાં ગુનાનો મુદામાલ ચોરી થયેલાનું જણાતા સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે.