છોટા ઉદેપુરઃ છોટા ઉદેપુર જિલ્લો ખાસ કરીને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. તેમાં પણ વસંતઋતુમાં કેસૂડો સોળે કળાએ ખીલી ઉઠતા હાલ વસંતની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે કેસૂડાંના ઝાડ પર કેસૂડાંના કેસરી રંગનો પૂર બહાર ખીલ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના રૂંનવાડ, પાનવડ, દેવહાંટ, જેતપુર પાવી, કવાંટ, નસવાડી, જેવા ગ્રામ્ય વિસ્તારોમાંના ગામોમાં ઠેર ઠેર કેસૂડાંના ઘટાદાર વૃક્ષો પર કેસૂડાના ફૂલો દ્વારા જાણે કેસરી ચાદર ઓઢી હોય એમ જણાઈ રહ્યું છે. વસંતની શરૂઆત થતાં કેસૂડો સોળે કળાએ ખીલી ઊઠે છે. ગ્રામ્યકક્ષાએ કેસૂડાના ફૂલોનું વિશેષ મહત્વ જણાઈ આવે છે. તેના ફૂલ, પાન અને કલરનો ઔષધીય ઉપયોગ પણ કરી શકાય છે.
ખાખરના વૃક્ષમાંથી શું મેળવાય છે?
છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માટે ખાખરનું વૃક્ષ કલ્પવૃક્ષ સમાન છે, કેસૂડાંના ફૂલને ઉતારી બજારમાં તેનું વેચાણ કરી આદિવાસીઓ આજીવિકા મેળવી રહ્યા છે. તો ખાખરના પાનને લાવી પાળિયા પતરાડાં બનાવે છે. તો ખાખરના વૃક્ષ પર આવતાં ફળ (ફાફડા) ના બીજને પણ વેચી આદિવાસીઓ આજીવિકા મેળવે છે, એટલું જ નહીં નોનસ્ટિક માટીના વાસણોમાં લાખનો ઉપયોગ કરવામાં છે તે લાખ પણ ખાખરના વૃક્ષમાંથી મેળવવામાં આવે છે.
ખાખરનું એક માત્ર એવું વૃક્ષ છે, જે પાન, ફૂલ, ફળ, અને લાખ આપતું વૃક્ષ હોવાથી અહીંના આદિવાસીઓ માટે ખાખરના વૃક્ષને કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં ખાખરાના વૃક્ષો પર પુષ્કળ પ્રમાણમાં કેસૂડા ખીલી ઉઠતા, ગ્રામીણ વિસ્તારની મહિલાઓ કેસૂડાના ફૂલમાંથી હર્બલ સાબુ બનવવાના કામમાં જોતરાય છે.
છોટાઉદેપુર જિલ્લાની ભૌગોલિક રચના જ પહાડી પ્રદેશ હોય જે પહાડી પ્રદેશમાં પુષ્કળ પ્રમાણમાં ખાખરાના વૃક્ષો આવેલા છે. વસંત ઋતુની શરૂઆતથી જ ખાખરાના વૃક્ષો પર કેસૂડા ખીલી ઉઠતા, પ્રાકૃતિક સૌંદર્ય ઝળહળી ઉઠ્યું છે, તો ગ્રામીણ વિસ્તારની સખી મંડળની બહેનો ભેગી મળી લીંબડાના પાનમાંથી, કેસૂડાના ફૂલમાંથી, નાહવાના હર્બલ સાબુ બનવવાનો ગૃહ ઉદ્યોગ સ્થાપી હાલ કેસૂડાના ફુલમાંથી હર્બલ સાબુ બનાવી રહી છે.
વનાર ગામની આસ્થા સખી મંડળની બહેનો ગૃહ ઉદ્યોગ દ્વારા બનવવામાં આવતા હર્બલ સાબુની સારી ગુંણવતા હોવાને લઇને તેમના સાબુની પણ ભારે માગ ઊભી થઇ છે. ત્યારે આ સખી મંડળની બહેનો વર્ષે 1 લાખ રૂપિયા જેટલું ટર્ન ઓવર કરી સખી મંડળની 10 બહેનો રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે.
કેસુડાના ફૂલમાંથી બનાવેલા હર્બલ સાબુ ચામડીના રોગ માટે અક્ષીર માનવામાં આવે છે. તો ખાખરના વૃક્ષમાંથી નીકળતી લાખ માટીના વાસણોમાં કોટીંગ કરવાના ઉપયોગમાં આવે છે અને પ્રતિ કિલો 1 હજારથી 1300 રૂપિયામાં વેચાણ થાય છે. જ્યારે ખાખરાના પાનમાંથી પડિયા પતરાડા પણ બનાવવામાં આવે છે. જેથી ગૌણ પેદાશોમાં ખાખરાનું વૃક્ષ અતિ મહત્વનું ગણવમાં આવે છે.