ખેડા: જીલ્લાનું મુખ્ય મથક નડિયાદ શહેર સાક્ષર નગરી તરીકે ઓળખાય છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આ શહેર દેશભરમાં સાક્ષર નગરી તરીકેની આગવી ઓળખ ધરાવે છે. પણ આ આગવી ઓળખ પાછળનું કારણ શું ? અમદાવાદ, વડોદરા, સુરત જેવ જિલ્લાઓ નહીં પરંતુ નડિયાદ જ કેમ સાક્ષર નગરી તરીકે ઓળખાય છે, ચાલો જાણીએ…
ખેડા જીલ્લાનું મુખ્ય મથક નડીયાદ એક મધ્યમ કક્ષાનું શહેર છે. આ શહેર સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ સ્થળ તેમજ સંતરામ સેવા તીર્થ માટે જાણીતું છે. આ ઉપરાંત શહેર સાક્ષર નગરી તરીકેની એક આગવી ઓળખ ધરાવે છે.
મધ્યમ કક્ષાના નગરથી એકસામટા 285 જેટલા સર્જકોએ રાજ્યને સર્જનાત્મકતાનો અનુભવ કરાવ્યો:
અહીં ગુજરાતી સાહિત્યની ઘણી સેવા થઈ છે. કોઈ એક જ ગામમાંથી અનેક સાક્ષરોએ ગુજરાતી સંસ્કૃત અને બીજા જુદા જુદા વિષયોને લગતું ખેડાણ કર્યુ હતું. ઈન્દ્રજીત વધ નામનું પહેલું મહાકાવ્ય અહીંથી જ લખાયું હતું. નડિયાદથી જ પહેલી કળાત્મક નવલકથા સરસ્વતીચંદ્ર મળી હતી, તો કાદંબરીનો પહેલો અનુવાદ પણ અહીંયાથી માંલી આવ્યો હતો. એકસામટા 285 જેટલા સર્જકોએ મધ્યમકક્ષાના નગર નડિયાદમાં જન્મ લીધો હતો. આ શહેરથી જ અનેક સર્જકોએ આખા રાજ્યને સર્જનાત્મકતાનો અનુભવ કરાવ્યો છે. જે સમયે સાક્ષરનું વિશેષણ અક્ષરજ્ઞાન ધરાવનાર માટે નહીં પણ ધુરંધર વિદ્વાનો માટે વપરાતું હતું, તે યુગમાં સાક્ષર નગરી નડિયાદ એક જ હતી.
નવ મુખ્ય સાક્ષરો: સાક્ષરો ઘણા હતા પણ તેમા નવ મુખ્ય ગણાતા સાક્ષરો આગવો ઇતિહાસ ધરાવે છે. ગોવર્ધનરામના ગુરૂ તુલ્ય મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠી, સરસ્વતીચંદ્રના કર્તા ગોવર્ધનરામ ત્રિપાઠી, કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલનો ગુજરાતી અનુવાદ કરનાર ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, સર્જક અને તત્વચિંતક મણીલાલ નભુભાઈ દ્વિવેદી, મસ્ત કવિ આદી ગઝલકાર બાલાશંકર કંથારિયા, ગુજરાતીનું પ્રથમ મહાકાવ્ય લખનાર દોલતરામ કૃપારામ પંડ્યા, બાણભટ્ટની કાદંબરીના ગુજરાતી અનુવાદક છગનલાલ હરિલાલ પંડ્યા, સિંહાસન બત્રીસી સહિતના મધ્યકાળના કેટલાક ગ્રંથોના સંપાદક અંબાલાલ બુલાખીરામ જાની, કવિ-નિબંધકાર ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા જાણીતા અને વિદ્વાન સાક્ષરો છે.
આ સૌ મા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ફક્ત નડીયાદના નહીં સમસ્ત ગુજરાતી ભાષાના સાક્ષર શિરોમણી તરીકે ઓળખાય છે. ચાર ભાગમાં અને કુલ 1388 પાનામાં તેમણે આલેખેલી મહાનવલ કથા સરસ્વતીચંદ્રથી ગુજરાતી સાહિત્યને નવી ઉંચાઈ પ્રાપ્ત થઈ છે. સરસ્વતીચંદ્રએ ગુજરાતને અને ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું હતું.
સાક્ષર યુગમાં અહીંના સાક્ષરોથી મોટો બદલાવ આવ્યો એટલે સાક્ષર ભૂમિ ગણાઈ:
સાક્ષરનો અર્થ એટલે પંડિત વિદ્વાન. સાહિત્યમાં માત્ર સર્જન નહી પણ ચિંતન પણ કરે એવો ચિંતનાત્મક સર્જક એટલે સાક્ષર અથવા પંડિત. આ શહેરમાં અસંખ્ય સાક્ષરો થઈ ગયા એટલે નડીયાદ સાક્ષરોની ભૂમિ ગણાય છે એવું નથી. પરંતુ દેશમાં અંગ્રેજો આવ્યા અંગ્રેજી સંસ્કૃતિ, અંગ્રેજી ભાષા અને સાહિત્ય આવ્યું. પરંતુ એ વખતે આપણા દેશમાં જે કુરિવાજો અંધશ્રદ્ધા હતી તેની સામે આ નવી અંગ્રેજી સંસ્કૃતિથી આપણા દેશના સામાન્ય લોકો ખૂબ જ અંજાઈ ગયા. જેથી એમને થયું કે આપના દેશમાં બધું ખરાબ જ છે અને પરદેશનું બધુ સારૂ છે. આ જે ધોવાણ થયું અને એ સામે સુધારો આવ્યો તે સુધારક યુગ તરીકે ઓળખાયો. પણ પછી સુધારામાં આપણું જે કઈ ઉત્તમ હતું તે પણ ધોવાવા માંડ્યું.
એ સમયે 1880 પછીના અને 1890 આસપાસના સમયગાળામાં નડિયાદના જે પંડિતો, વિદ્વાનો, સર્જકોએ આપણી સંસ્કૃતિ, આપણી ભાષા, આપના રિતીરિવાજોનું મહત્વ લોકો સમક્ષ ફરી ઉજાગર કર્યું. પરદેશનું ઉત્તમ અને આપણું ઉત્તમ તે બંનેને ભેગા કરી તેમનો સમન્વય કરીને ગુજરાતને, ગુજરાતની પ્રજાને એક નવી દિશા આપી હતી. આમ તે સમયગાળો સાક્ષર યુગ તરીકે જાણીતો થયો. આ સાક્ષર યુગનાં નાયકો નડિયાદના ઘણા મોટા સર્જકો હતા. જેનાથી ગુજરાતી ભાષા સાહિત્ય સમાજમાં સંસ્કૃતિમાં એક ખૂબ મોટો બદલાવ આવ્યો, પરિણામે અને એટલે નડિયાદ સાક્ષર ભૂમિ ગણાઈ.
આ બિરૂદ આજે પણ અવિરત રહ્યું છે: નડિયાદની સાક્ષરતા, સાહિત્ય સર્જન ક્ષેત્રે તેનું સ્ટેન્ડ આજ સુધી જળવાઈ રહ્યું છે. આપણે ત્યાં પંડિત યુગ કે સાક્ષર યુગ તો 1910 આસપાસ પૂર્ણ થઈ ગયો, એ પછી પણ રસ કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ જેમણે 'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો...' નું મુગલે આઝમનું ઉત્તમ ગીત લખ્યું. કવિ વિઠ્ઠલભાઈ પટેલ જેમણે 'જૂઠ બોલે કૌવા કાટે...' જેવુ બોબીનું ઉત્તમ ગીત લખ્યુ.
બાબુભાઈ જશભાઈ પટેલ, મગનભાઈ દેસાઈ, બકુલ ત્રિપાઠી, પુરૂરાજ સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ સુપ્રસિદ્ધ છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના લેખક તારક મહેતા પોતે નડિયાદના રહેવાસી હતા. ઉપરાંત ઈન્દુલાલ યાજ્ઞિક પણ નડિયાદના rરહેવાસી હતા. આજની તારીખમાં પણ એક અંદાજ મુજબ 285 કરતા પણ વધારે લેખકો સર્જકો આ ભૂમિમાંથી થઈ ગયા છે. એટલે આ ભૂમિ આજે પણ આખા ગુજરાતમાં અને ગુજરાતી ભાષા સાહિત્યમાં સાક્ષર ભૂમિ તરીકે જાણીતી છે, અને તેનું બિરૂદ આજની પેઢી સુધી પણ અવિરત રહ્યું છે.
આ પણ વાંચો: